તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ભાજપ પર ઉમેદવાર હાઈજેકિંગનો આક્ષેપ: AAPએ મૂરતિયા કર્યા ગુપ્ત સ્થળે ખસેડ્યા
કોંગ્રેસના કાર્યકરો પોતાના ઉમેદવારને ભાજપના ચુંગાલમાંથી છોડાવી પોતાની ગાડીમાં બેસાડી રવાના થઈ ગયા હતા.

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે મેદાનને બદલે રસ્તાઓ અને સરકારી કચેરીઓ પર લડાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તાલુકા પંચાયતની ઉમરવા બેઠક પર ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. સામ-દામ-દંડ-ભેદની નીતિ વચ્ચે રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારોને તો અજ્ઞાત સ્થળે શિફ્ટ કરાયા હોવાનું સામે આવ્યુ છે.
ઘટનાની વિગતો મુજબ, ઉમરવા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ભાજપના સમર્થકો ફોર્મ પરત ખેંચાવવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે લાવ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. જેવી કોંગ્રેસના કાર્યકરોને આ વાતની જાણ થઈ, તેઓ તાબડતોબ કચેરીએ પહોંચી ગયા હતા અને કોંગ્રેસના કાર્યકરો પોતાના ઉમેદવારને ભાજપના ચુંગાલમાંથી છોડાવી પોતાની ગાડીમાં બેસાડી રવાના થઈ ગયા હતા.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "ઉમરવા બેઠકના અમારા ઉમેદવારના ઘરે પોલીસ મોકલવામાં આવી રહી છે અને રાજકીય પ્રેસર કરવામાં આવી રહ્યું છે."
રાજપીપળા નગરપાલિકામાં પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. જેમાં વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો અને વોર્ડ નંબર 6ના 2 ઉમેદવારો પર અન્ય પક્ષો દ્વારા ડોળો નાખવામાં આવતા હોવાની ભીતિ વચ્ચે AAPએ પોતાના ઉમેદવારોને તૂટતા બચાવવા માટે તેમને અજ્ઞાત સ્થળે 'સેફ હાઉસ'માં મોકલી દીધા હોવાનું જાણવા મળે છે.
જિલ્લામાં જે પ્રકારે ઉમેદવારોની ખેંચતાણ અને અજ્ઞાત સ્થળે ખસેડવાની ઘટનાઓ બની રહી છે, તેનાથી મતદારોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આ લોકશાહીનું પર્વ છે કે સત્તા મેળવવાની આંધળી દોટ? હાલ તો સમગ્ર નર્મદા જિલ્લામાં આ 'રાજકીય હાઈજેક'ની ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
