<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારને ગાળો આપનાર બિંદેશ ચાવડાની ધરપકડ

ખેડાના ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અશોભનીય ટિપ્પણી કરવાના કેસમાં ડાકોર પોલીસે બિન્દેશ લક્ષ્મણભાઈ ચાવડાની ધરપકડ કરી

ખેડા જિલ્લાની ઠાસરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અશોભનીય ટિપ્પણી કરનાર આરોપીને ડાકોર પોલીસે ઝડપી પાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ધારાસભ્ય અને તેમના પરિવાર વિરુદ્ધ આપત્તિજનક શબ્દો બોલીને વિડીયો વાયરલ કરવાના ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બિન્દેશ લક્ષ્મણભાઈ ચાવડા નામના શખ્સની ધરપકડ કરી છે.

 

સમગ્ર બનાવની વિગત મુજબ, બિન્દેશ ચાવડા નામના શખ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ધારાસભ્યને ગાળો આપતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતાં જ ધારાસભ્યના સમર્થક જનકભાઈ ગોહેલે બનાવ અંગે ગંભીરતા દાખવીને ડાકોર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આઈટી એક્ટ અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા.

 

પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં જ આરોપી બિન્દેશ ચાવડા ધરપકડના ડરથી ગુજરાત છોડીને અન્ય રાજ્યમાં ભાગી છૂટ્યો હતો. ડાકોર પોલીસની ટીમે આરોપીના લોકેશન અને ગુપ્ત બાતમીના આધારે સતત ટ્રેકિંગ ચાલુ રાખ્યું હતું. ગઈકાલે આરોપી જેવા જ ડાકોર રેલવે સ્ટેશન પર પરત ફર્યો કે તુરંત જ ડાકોર પોલીસે તેને ઘેરીને ઝડપી લીધો હતો. સોશિયલ મીડિયાના દૂષણ અને નેતાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહીનો મેસેજ આપ્યો છે.

 

(10:07 PM IST)