<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

શ્રમજીવીઓના નામે ૬૦૦ કરોડનું બિલિંગ કૌભાંડ

સુરત સહિત રાજ્યભરમાં એસજીએસટીના દરોડાઃ ૧૦૦ કરોડથી વધુની આઇટીસી ચોરીની આશંકા

અમદાવાદ,તા.૨૩: ગુજરાતમાં આર્થિક ગુનાખોરી આચરતા તત્ત્વો હવે કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે કેવા નવતર અને ચોંકાવનારા કીમિયા અપનાવી રહ્યા છે તેનો જીવતો-જાગતો પુરાવો એસજીએસટીની તપાસમાં સામે આવ્યો છે. વર્ષોથી બંધ પડેલી અથવા જેમાં કોઈ જ આર્થિક વ્યવહારો ન થતા હોય તેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને શોધી તેના મોહરા તરીકે ગરીબોનો ઉપયોગ કરી અંદાજે ૫૦૦થી ૬૦૦ કરોડનું બોગસ બિલિગ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક અંદાજ મુજબ સરકારની તિજોરીને નુકસાન પહોંચાડીને ૧૦૦ કરોડથી વધુની ઈનપુટ ટેકસ ક્રેડિટની સરેઆમ ચોરી કરવામાં આવી છે.

આ આખા કૌભાંડની જે મોડસ ઓપરેન્ડી સામે આવી છે તે સભ્ય સમાજ અને કાયદા વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે. કૌભાંડીઓ સૌપ્રથમ બજારમાંથી એવી બંધ કે નિષ્ક્રિય પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ શોધી કાઢે છે જે કાગળ પર અસ્તિત્વ ધરાવતી હોય. ત્યારબાદ, ગરીબ, મજૂર અને શ્રમિક વર્ગના લાચાર લોકોના પાનકાર્ડ તથા અન્ય ઓળખપત્રો મેળવીને, આ કરોડોની કંપનીઓ કાયદાકીય રીતે કાગળ પર આ ગરીબોના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. નિર્દોષ ગરીબોને ખબર પણ નથી હોતી કે તેમના નામે કરોડો રૃપિયાના ટર્નઓવર વાળી શેલ કંપનીઓ ધમધમી રહી છે.

સાળા પાસેથી જ કંપની ખરીદી અમદાવાદથી રિક્ષાવાળો ઝડપાયો

તપાસની કડીઓ જોડતાં એસજીએસટીના અધિકારીઓએ અમદાવાદમાંથી એક રિક્ષાવાળાની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ જે વિગતો ખુલી તે આશ્ચર્ય પમાડે તેવી છે. આ રિક્ષાવાળાએ પોતાના જ સાળા પાસેથી એક આખી પ્રાઇ વેટ લિમિટેડ કંપની ખરીદી હોવાનું કાગળ પર દર્શાવવામાં આવ્યું હતું. આ વિગતો જ સાબિત કરે છે કે પડદા પાછળ રહીને ખેલ ખેલનારા અસલી સૂત્રધારો કોઈ જુદા જ માથાભારે તત્ત્વો છે.

મહિનામાં ખેલ ખતમઃ લૂંટ ચલાવી પોબારું ભણી જવાની પેરવી

કૌભાંડીઓની આ મેલી રમત એટલી ઝડપી હોય છે કે ટેકસ ડિપાર્ટમેન્ટ એલર્ટ થાય તે પહેલાં જ તેઓ પોતાનું કામ પતાવી લે છે. ગરીબોના નામે કંપની ટ્રાન્સફર થતાં જ કૌભાંડીઓ રાતોરાત એકિટવ બને છે. માત્ર એકાદ મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીઓ દ્વારા કરોડો રૃપિયાના ફેક બિલ બનાવી દેવામાં આવે છે. આ બોગસ બિલિગના આધારે કરોડોની આઇટીસી પાસ ઓન કરીને સરકારની આંખમાં ધૂળ ઝોકવામાં આવે છે. ડિપાર્ટમેન્ટને ગંધ આવે કે સિસ્ટમ લાલ લાઇટ બતાવે તે પહેલાં જ આ કૌભાંડીઓ કંપનીને બંધ કરી, રફુચક્કર થઈ જાય છે.

મોટા બિઝનેસ હાઉસ, સીએ અને સીએસ રડારમાં

SGSTના ઉચ્ચ અધિકારીઓના મતે, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓના ખરીદ-વેચાણ અને કાયદાકીય કાગળો તૈયાર કરવાની પ્રક્રિયા કોઈ સામાન્ય માણસના ગજાની વાત નથી. આ સમગ્ર કૌભાંડમાં કાયદાના રખેવાળ ગણાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરી અને મોટા બિઝનેસ હાઉસની સીધી સંડોવણી અથવા મદદગારી હોવાની પ્રબળ શંકા છે. આ દિશામાં વિભાગે ઝીણવટભરી કાયદાકીય તપાસ હાથ ધરી છે. દિલ્હી અને તમિલનાડુ જેવા રાજ્યોની શંકાસ્પદ કંપનીઓએ પણ ગુજરાતની આ બંધ શેલ કંપનીઓ ખરીદીને કરોડોનું બોગસ બિલિગ કર્યું હોવાના પુરાવા પણ અધિકારીઓના હાથે લાગ્યા છે

 

(10:21 AM IST)