News of Thursday, 10th September 2026
ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમમાં સુધારા માટે વિધાનસભામાં વિધેયક રજૂ : રજિસ્ટર્ડ વેચાણખત અને કોર્ટના હુકમો આધારિત ફેરફાર નોંધો એ જ દિવસે નોંધાશે અને પ્રમાણિત થશે
બિનજરૂરી અને બદઈરાદાથી ઊભા કરાતા વાંધાઓ અટકાવી કાયદેસરના જમીન માલિકોના હકોનું રક્ષણ કરવા વટહુકમના સ્થાને રાજ્ય વિધાનમંડળનો અધિનિયમ બનાવવાની કવાયત

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક' રજૂ કરવામાં આવ્યું છે. રાજયમંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જણાવ્યા મુજબ, જમીન રેકોર્ડ વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી બનાવવાના હેતુથી રજૂ કરાયેલા આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશો અને કારણો નીચે મુજબ છે.
હક્કપત્રક (Record of Rights) માં અથવા ફેરફારના રજિસ્ટરમાં ફેરફારની નોંધોની નોંધણી અને પ્રમાણીકરણને લગતી જોગવાઈઓ, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ની કલમ ૧૩૫-ઘ અને ગુજરાત જમીન મહેસૂલ નિયમો, ૧૯૭૨ના નિયમ ૧૦૭ હેઠળ ઠરાવવામાં આવેલી કાર્યરીતિથી નિયંત્રિત થાય છે. વિદ્યામાન જોગવાઈઓ હેઠળ મુકરર અધિકારી હાથથી બનાવીને (મેન્યુઅલી) અથવા ઈલેક્ટ્રોનિક સ્વરૂપે ફેરફારની નોંધણી કરે ત્યારે તેમાં હિતસંબંધ ધરાવતી તમામ વ્યક્તિઓને નિયત રીતે જાણ કરવી જરૂરી હોય છે, જેથી આખરી પ્રમાણીકરણ પહેલાં વાંધા ઉઠાવવાની તક મળે.
જોકે, કાયદેસરના કાનૂની હિતોના રક્ષણ માટે જરૂરી એવી આ કાર્યરીતિમાં કેટલીકવાર બિનજરૂરી અથવા બદઈરાદાથી વાંધા ઉઠાવવામાં આવતા હોવાનું જણાયું છે. તેના પરિણામે જમીનની કાયદેસરની લેવડદેવડ કરનારા નાગરિકોને ભારે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકારે ઈ-ધારા ડિજિટલ લેન્ડ રેકોર્ડ સિસ્ટમના અમલીકરણ સહિત જમીન રેકોર્ડ વહીવટને આધુનિક બનાવવા પગલાં લીધાં છે. આમ છતાં, વાજબી લેવડદેવડનું પ્રમાણીકરણ સમયસર થાય અને કાયદેસરના હકોનું રક્ષણ થાય તે માટે કાર્યરીતિને વધુ તર્કસંગત બનાવવી જરૂરી જણાઈ છે.
આથી, એવું સૂચિત કરવામાં આવ્યું છે કે નિર્દિષ્ટ સલામતી પરિપૂર્ણ કરતા રજિસ્ટર્ડ વેચાણખતમાંથી ઉદ્ભવતી ફેરફારની નોંધો—એટલે કે વેચાણખત કર્યા પહેલાના એક વર્ષ માટે હક્કપત્રકમાં કોઈ ફેરફાર નોંધાયો નથી, હક્કપત્રકમાં જેમના નામ જણાય છે તે તમામ વ્યક્તિઓએ વેચાણખત કર્યું છે અને સક્ષમ સત્તાધિકારી કે કોર્ટ સમક્ષ જમીન અંગે કોઈ તકરાર પડતર નથી—આવી નોંધોની કલમ ૧૩૫-ઘ (૨) હેઠળ જાણ કર્યા વગર એ જ દિવસે નોંધણી કરી શકાશે અને તેને પ્રમાણિત કરી શકાશે.
આ ઉપરાંત, સક્ષમ સત્તાધિકારી, કોર્ટ અથવા ટ્રિબ્યુનલે પસાર કરેલા હુકમો કે હુકમનામામાંથી ઉદ્ભવેલી ફેરફારની નોંધો પણ આવા હુકમો મળતાં જ તરત નોંધણી કરી પ્રમાણિત કરી શકાશે. વધુમાં, ગુજરાત જમીન મહેસૂલ નિયમો, ૧૯૭૨ના નિયમ ૧૦૭ના પેટા-નિયમ (૪-ક)ને બદલીને ફેરફારની નોંધોના અમુક નિર્દિષ્ટ વર્ગોમાં વાંધા ઉઠાવવા માટેની સમયમર્યાદાને તર્કસંગત બનાવવાનું સૂચવવામાં આવ્યું છે.
રાજ્યમાં વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી ઉપર્શુક્ત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે 'ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વટહુકમ, ૨૦૨૬' પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ વિધેયક દ્વારા હવે વટહુકમના સ્થાને રાજ્ય વિધાનમંડળનો અધિનિયમ મૂકવાનું ધારેલું છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
