તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 20th October 2026
સુરતના હજીરામાં કવાસ પાટિયા પાસે ડમ્પરે બાઇક સવાર દંપતીને ટક્કર મારી: પત્નીનું ઘટના સ્થળે જ મોત
મૂર્તિ વિસર્જન માટે સુંવાલી દરિયા કિનારે જતાં પાંડેસરાના દંપતીને ડમ્પરે ટક્કર મારી :ઇચ્છાપોર પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી

સુરત શહેરના હજીરા વિસ્તારમાં કવાસ પાટિયા પાસે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં રહેતું એક દંપતી પોતાની મોટરસાઇકલ પર મૂર્તિ વિસર્જન અર્થે સુંવાલી દરિયા કિનારે જઈ રહ્યું હતું. આ દરમિયાન કવાસ પાટિયા નજીક પૂરઝડપે આવી રહેલા એક બેફામ ડમ્પર ચાલકે બાઇક સવાર દંપતીને સરેઆમ ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ડમ્પરની જોરદાર ટક્કર વાગતાં બાઇક પરથી નીચે પટકાયેલી મહિલા પરથી ડમ્પરનું વ્હીલ ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં પતિને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરીને ઈજાગ્રસ્ત પતિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પવિત્ર તહેવારમાં મૂર્તિ વિસર્જન અર્થે નીકળેલા પરિવારની છત્રછાયા છીનવાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટના અંગેની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને કબ્જે કરી પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે હાઇવે અને આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ ચકાસીને ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
