News of Friday, 4th September 2026
સુરત જિલ્લાના સહકારી રાજકારણમાં મોટો ભડકો : સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટના લીરેલીરા ઉડાડતા ખેડૂત સભાસદો, પ્રમુખપદે પરિવર્તન પેનલના કેતન પટેલની વરણી
મેન્ડેટ પ્રથા સામે સભાસદોનો ભારે આક્રોશ : ભારે વિવાદ અને હોબાળા વચ્ચે મંત્રી ઈશ્વર પટેલ અને ધારાસભ્ય મુકેશ પટેલે પાછળના દરવાજેથી પ્રવેશ કરવો પડ્યો

સુરત: ગુજરાતના સુરત જિલ્લામાં સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સાયણ સુગર ફેક્ટરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સહકારી સંસ્થામાં રાજકીય દખલગીરી અને મેન્ડેટ પ્રથાનો ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટનો ખુલ્લેઆમ વિરોધ થતાં મેન્ડેટ સુગર ફેક્ટરીના કેમ્પસમાં જ ફાડી નાખવામાં આવ્યો હતો અને સહકારી ક્ષેત્રે મેન્ડેટ ન ચલાવવાની માંગ સાથે ભારે હોબાળો મચી ગયો હતો.
ખેડૂત સભાસદોની 'મેન્ડેટ ભગાવો, સુગર મિલ બચાવો' ની માંગ વચ્ચે પરિવર્તન પેનલના કેતન પટેલની પ્રમુખ તરીકે અને જતીન પટેલની ઉપપ્રમુખ તરીકે લોકશાહી ઢબે વરણી કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે મંત્રી ઈશ્વર પટેલ અને ધારાસભ્ય મુકેશ પટેલે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે બંને નેતાઓએ સુગર ફેક્ટરીના કેમ્પસમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરવાની ફરજ પડી હતી. છેલ્લા પંચોતેર વર્ષથી કાર્યરત આ ઐતિહાસિક સંસ્થામાં ત્રીસ હજારથી વધુ સભાસદો જોડાયેલા છે, ત્યારે ખેડૂતોએ સહકારી સંસ્થા પરનો પોતાનો મૂળ અધિકાર જાળવી રાખી રાજકીય પક્ષોને સણસણતો જવાબ આપ્યો છે.
આ ચૂંટણી સમગ્ર ગુજરાતના સહકારી માળખા માટે એક મોટો દાખલો બેસાડી રહી છે કે ખેડૂતો ધારે તો રાજકીય ઈશારે ચાલવાને બદલે પોતાના હિતના રક્ષકો જાતે જ પસંદ કરી શકે છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
