<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

કલોલ તાલુકા પોલીસને મોટી સફળતા : કલોલ પાસે બાઈક પર 5 કિલો ગાંજો લઈ જતા 2 શખ્સો ઝડપાયા

પોલીસે કલોલના ધેધુ ચાર રસ્તા પાસેથી મોટરસાઇકલ પર નશીલા પદાર્થની હેરાફેરી કરી રહેલા બે શખ્સોને પોલીસે લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. કલોલના ધેધુ ચાર રસ્તા પાસેથી મોટરસાઇકલ પર નશીલા પદાર્થની હેરાફેરી કરી રહેલા બે શખ્સોને પોલીસે લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.

 

મળતી વિગતો અનુસાર, કલોલ તાલુકા પોલીસને ચોક્કસ સોર્સ તરફથી ગુપ્ત બાતમી મળી હતી કે મોટરસાઇકલ પર સવાર થઈને બે શખ્સો ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો લઈને કલોલ તરફથી પસાર થવાના છે. આ બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસની ટીમે ધેધુ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ બાઈકને અટકાવી હતી. બાઈક સવાર બંને શખ્સોની પોલીસે સઘન તલાશી લેતા તેમની પાસેથી પ્લાસ્ટિકની બેગમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો.

 

પોલીસ તપાસ દરમિયાન પકડાયેલો જથ્થો પ્રતિબંધિત ગાંજો હોવાનું પ્રિલીમીનરી ટેસ્ટમાં બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 5.06 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 2.53 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 4.39 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આ ગાંજાનો જથ્થો સ્થાનિક સ્તરે સપ્લાય કરવાનો હતો અને ગાંધીનગર જિલ્લાના અન્ય બે શખ્સોએ આ જથ્થો મંગાવ્યો હતો. ગુનાની તપાસમાં આ બંને મુખ્ય સુત્રધારોના નામ ખુલતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ડ્રગ્સ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટું રેકેટ કામ કરી રહ્યું છે કે કેમ, તે દિશામાં તપાસનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. કલોલ તાલુકા પોલીસે નાર્કોટિક્સ એક્ટ  હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(2:19 PM IST)