<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

પાલનપુરમાં ગઢ પોલીસને મોટી સફળતા :મોટા ગામ નજીક કારની ચકાસણીમાં ત્રણ પ્રકારના ડ્રગ્સ ઝડપાયા : ડીસાનો પેડલર પકડાયો

ગઢ પોલીસે કારમાંથી ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહેલું બ્રાઉન હેરોઇન, મેફેડ્રોન ડ્રગ્સ અને ગાંજો અને પોલીસે ડીસાના રહેવાસી રમેશ ઉર્ફે પિન્ટુ ઠક્કર નામના શખ્સને રંગેહાથ ઝડપી લીધો

બનાસકાંઠા જિલ્લામાં નશાબંધી અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે એક્શન મોડમાં આવેલી પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. પાલનપુર તાલુકાના મોટા ગામ નજીક ગઢ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારને આંતરી હતી. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં કોઈ એક નહીં પરંતુ ત્રણ અલગ-અલગ પ્રકારના ઘાતક ડ્રગ્સનો જથ્થો છુપાવેલો હતો.

ગઢ પોલીસે કારમાંથી ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહેલું બ્રાઉન હેરોઇન, મેફેડ્રોન ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ગણાતા ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે ડીસાના રહેવાસી રમેશ ઉર્ફે પિન્ટુ ઠક્કર નામના શખ્સને રંગેહાથ ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો સ્થાનિક સ્તરે યુવાધનને બરબાદ કરવા માટે સપ્લાય કરવાનો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા ડ્રગ્સના જથ્થાની કિંમત આશરે રૂ. 2,25,000 થાય છે. ગઢ પોલીસે ડ્રગ્સ, હેરાફેરીમાં વપરાયેલી આઈ-20 કાર અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 5,30,000નો મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે પકડાયેલા આરોપી રમેશ ઉર્ફે પિન્ટુ ઠક્કર અને ફરાર આરોપી સામે ગઢ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ  એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ધરપકડ કરાયેલા આરોપી રમેશ ઠક્કરની કડક પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ નેટવર્કનું રાજસ્થાન કનેક્શન સામે આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ગોપાલસિંહ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખુલ્યું છે. હાલમાં ગોપાલસિંહ પોલીસ પકડથી દૂર હોવાથી ગઢ પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. બનાસકાંઠા પોલીસે રાજસ્થાન પોલીસના સંપર્કમાં રહીને ગોપાલસિંહને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આ મુખ્ય સપ્લાયર પકડાતા જ સરહદી વિસ્તારમાં ચાલતા મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે.

(1:10 PM IST)