<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

અમદાવાદ પોલીસને મોટી સફળતા: ઉદયપુરની ગેંગવોર અને હત્યાના મામલે કુખ્યાત ગેંગના બે મુખ્ય સાગરિતો ઝડપાયા

ઝોન 7 LCB એ નઈમ ઠોકર ગેંગના મુખ્ય સૂત્રધાર નઈમુદ્દીન શેખ અને સાગરીત કુંદનસિંહ કુશવાહની ધરપકડ કરી:બંને આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, લૂંટ જેવા 15-15 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

અમદાવાદ પોલીસને રાજ્ય બહારના કુખ્યાત ગુનેગારોને પકડવામાં વધુ એક મોટી સફળતા મળી છે. રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ચકચારી ગેંગવોર અને હત્યાના મામલે વોન્ટેડ બે શખ્સોને અમદાવાદના ઝોન 7 LCBએ ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ ઉદયપુરની કુખ્યાત નઈમ ઠોકર ગેંગના હોવાનું સામે આવ્યું છે. ઝોન 7 LCB એ નઈમ ઠોકર ગેંગના મુખ્ય સૂત્રધાર નઈમુદ્દીન શેખ અને સાગરીત કુંદનસિંહ કુશવાહની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, લૂંટ  જેવા 15-15 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

રાજસ્થાનના ઉદયપુરમાં વર્ચસ્વ જમાવવા માટે બે ગેંગ વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ ચાલી રહી હતી. 7 એપ્રિલ 2026ના રોજ બિચ્છુ ઘાટી વિસ્તારમાં નઈમ ઠોકર ગેંગ અને જાવેદ દાંત ગેંગ વચ્ચે જાહેરમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. આ ગેંગવોરમાં નઈમ ઠોકર ગેંગના સભ્યોએ સાહિલ આરીફખાન (જાવેદ દાંત ગેંગનો સભ્ય) પર છરીના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ હત્યાકાંડ બાદ પોલીસની ધરપકડથી બચવા માટે મુખ્ય આરોપીઓ અમદાવાદના સરખેજ વિસ્તારમાં છુપાયા હતા, જ્યાંથી ગુજરાત પોલીસે તેમને દબોચી લીધા છે.

ઝોન 7 LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે. ઝડપાયેલા આરોપીઓને હવે વધુ કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ધરપકડથી રાજસ્થાનની ગેંગવોર પર મોટી લગામ લાગવાની શક્યતા છે.

 

(8:38 PM IST)