News of Tuesday, 26th May 2026
છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન રાઠવાને મોટો ઝટકો: ST જાતિનું પ્રમાણપત્ર રદ થતાં રાજકારણમાં ગરમાવો
જે બેઠક માત્ર અને માત્ર એસ.ટી. ઉમેદવાર માટે અનામત હતી, તેના પર બિન-અનામત વર્ગના વ્યક્તિ કેવી રીતે રહી શકે? તે કાયદાકીય પ્રશ્ન ઉભો થયો

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન રાઠવાને જાતિના દાખલા મામલે બહુ મોટો ઝટકો લાગ્યો છે. એસ.ટી. અનામત બેઠક પરથી ચૂંટણી લડીને વિજેતા બન્યા બાદ તેઓ નગરપાલિકાના પ્રમુખ પદ સુધી પહોંચ્યા હતા, પરંતુ હવે તેમની આ રાજકીય સફર અને પ્રમુખ પદ બંને ભારે કાયદાકીય કટોકટીમાં મુકાઈ ગયા છે.
છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં પ્રમુખ પદ માટેની બેઠક એસ.ટી. (અનુસૂચિત જનજાતિ) મહિલા માટે અનામત રાખવામાં આવી હતી. આ બેઠક પરથી મંજુલાબેન રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી અને વિજેતા બન્યા બાદ તેઓ પ્રમુખ પદે બિરાજમાન થયા હતા. જો કે, તેમની જાતિના પ્રમાણપત્ર સામે ગંભીર સવાલો ઉભા થતાં મામલો તપાસ સમિતિ સમક્ષ પહોંચ્યો હતો.
આ મામલે ચાલી રહેલી સઘન તપાસના અંતે વડોદરાની વિશ્લેષણ સમિતિ દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસ સમિતિના રિપોર્ટ અનુસાર, મંજુલાબેન રાઠવાનો એસ.ટી. (ST) જાતિનો દાખલો સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યો છે. કાયદાકીય તપાસ અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન સામે આવ્યું છે કે તેઓ મૂળ “હિન્દુ કોળી” જાતિના છે. આ ખુલાસો થતાં જ વડોદરા સમિતિએ તાત્કાલિક પગલાં ભરીને તેમના બંને જાતિના પ્રમાણપત્રો જપ્ત કરી લીધા છે.
મંજુલાબેન રાઠવાનો એસ.ટી. દાખલો રદ થવાના કારણે હવે છોટાઉદેપુર નગરપાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જે બેઠક માત્ર અને માત્ર એસ.ટી. ઉમેદવાર માટે અનામત હતી, તેના પર બિન-અનામત વર્ગના વ્યક્તિ કેવી રીતે રહી શકે? તે કાયદાકીય પ્રશ્ન ઉભો થયો છે. આ વળાંક બાદ હવે મંજુલાબેન રાઠવાએ પોતાના પ્રમુખ પદેથી હાથ ધોવા પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ સર્જાઈ છે. વિપક્ષ અને સ્થાનિક સ્તરે હવે તેમના રાજીનામાની માંગ પણ જોર પકડી રહી છે. આગામી દિવસોમાં શહેરી વિકાસ વિભાગ આ અંગે સત્તાવાર રીતે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
