<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

સરકારી આવાસની દુકાનોના સોદામાં મોટું કૌભાંડ : વડોદરામાં બે મહિલાઓ સાથે ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ભાજપ અગ્રણીના પુત્ર સહિત ત્રણ શખ્સો જેલના સળિયા પાછળ

ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીની ખોટી ઓળખ આપીને નોટરી બાનાખત કરાવ્યા બાદ દસ્તાવેજ ન આપીને રકમ પરત માંગતા ચેક બાઉન્સ કરનાર ઠગ ટોળકી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

વડોદરા: વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે નાગરિકોને ચૂનો ચોપડતા ભેજાગરજ તત્વોનો પર્દાફાશ થયો છે. ગોરવા વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનાની દુકાનો સસ્તા ભાવે અપાવવાની લાલચ આપીને ભાજપના અગ્રણી નેતા રાકેશ જોષીના પુત્ર સહિત ત્રણ ઇસમો દ્વારા બે મહિલાઓ સાથે આચરવામાં આવેલી રૂ. ૨૩ લાખની ઠગાઈનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રકરણે ગોરવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ઘટનાની વિગત મુજબ, છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા રંજનબેન શર્માના પતિની ગાયત્રી સોડા શોપ પર રોહન સોલંકી અવારનવાર આવતો હોવાના નાતે ઘરોબો કેળવાયો હતો. આ જ પરિચયનો ગેરલાભ ઉઠાવીને રોહને પીએમ આવાસ યોજનાની દુકાનો સસ્તામાં વેચવાની છે તેમ કહીને પરિવારને વિશ્વાસમાં લીધો હતો. માર્ચ ૨૦૨૫ દરમિયાન રંજનબેન, તેમના પતિ અને ભાભી સુમનબેન સુભાનપુરા સ્થિત રોહનની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં રોહને કશ્યપ રાકેશકુમાર જોષી અને જીલ અશોક બારોટ સાથે મુલાકાત કરાવી હતી. આ ઠગોએ કશ્યપ જોષીને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી અને જીલ બારોટને વહીવટકર્તા તરીકે ઓળખાવીને દુકાનોની સત્તાવાર ફાળવણી કરાવી આપવાની ખાતરી આપી હતી.

આરોપીઓએ ગોરવા ટીપી-૧૦ અને એફપી-૧૧૮ સ્થિત સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં દુકાન નં. ૨૨ અને ૨૩ રંજનબેનને તેમજ દુકાન નં. ૧૯ સુમનબેનને બતાવી હતી. પ્રતિ દુકાન રૂ. ૧૧ લાખ નક્કી થયા બાદ રંજનબેને બેંક દ્વારા રૂ. ૧૧ લાખ અને સુમનબેને રૂ. ૪ લાખથી વધુની રકમ જીલ બારોટના ખાતામાં જમા કરાવી હતી. ત્યારબાદ ગત ૧૩ માર્ચ ૨૦૨૫ના રોજ આ ત્રણેય દુકાનોના નોટરી સમક્ષ બાનાખત પણ કરી આપવામાં આવ્યા હતા. જોકે, આટલેથી સંતોષ ન માનતા આરોપીઓએ વેચાણ દસ્તાવેજ વહેલા કરાવી આપવાનું બહાનું ધરીને વધુ નાણાં પડાવ્યા હતા, જેમાં પરિવારે રૂ. ૮ લાખ રોહન સોલંકીને અને રૂ. ૩ લાખ જીલ બારોટને રોકડા આપ્યા હતા. આમ, કુલ રૂ. ૨૩ લાખ ચૂકવવા છતાં દસ્તાવેજ ન કરાતા ભાંડો ફૂટ્યો હતો.

જ્યારે પરિવારે પોતાના નાણાં કે દુકાનની ઉઘરાણી શરૂ કરી, ત્યારે જીલ બારોટે રૂ. ૧૫ લાખનો અને રોહન સોલંકીએ રૂ. ૮ લાખનો ચેક આપ્યો હતો, જે બેંકમાં જમા કરાવતા બાઉન્સ થઈ ગયા હતા. આ અંગે રંજનબેન શર્માએ રોહન લક્ષ્મણસિંહ સોલંકી, જીલ અશોક બારોટ અને કશ્યપ ઉર્ફે રાકેશકુમાર જોષી વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને જીલ અશોક બારોટ, રોહન લક્ષ્મણસિંહ સોલંકી, શુભમ મહાવર અને કશ્યપ રાકેશકુમાર જોષીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વડોદરામાં પીએમ આવાસ યોજનામાં દુકાન અપાવવાના નામે એમજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેન સાથે રૂ. ૯.૦૫ લાખની ઠગાઈ થયાની અન્ય એક ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે.

(4:39 PM IST)