તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
ગુજરાતમાં ઉદ્યોગો માટે મોટી રાહત ! સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો ઔદ્યોગિક વીજકાપ રદ
DGVCLએ દક્ષિણ ગુજરાતમાં સ્ટેગર-ડે સિસ્ટમ હેઠળનો 8 કલાકનો વીજકાપ તાત્કાલિક અસરથી પાછો ખેંચ્યો, દિવાળી પહેલા 29,822 મેગાવોટની રેકોર્ડ માંગ બાદ ઉદ્યોગોની રજૂઆત પર નિર્ણય, ટેક્સટાઈલ ઉદ્યોગને 40થી 50 કરોડનું નુકસાન અટક્યું

અમદાવાદ તા.24 : ગુજરાતના ઉદ્યોગો માટે મોટા રાહતના સમાચાર છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) એ ઔદ્યોગિક ફીડરો માટે સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીના 8 કલાકના નિર્ધારિત વીજકાપને તાત્કાલિક અસરથી રદ કર્યો છે. આ નિર્ણયથી દિવાળીના ઓર્ડર પૂરા કરવામાં લાગેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતના હજારો ઉદ્યોગોને મોટી રાહત મળી છે.
ગુજરાતમાં આ વર્ષે વીજ માંગમાં રેકોર્ડ વધારો થયો છે. 16 ઓક્ટોબરે રાજ્યમાં પીક ડિમાન્ડ 29,822 મેગાવોટ પર પહોંચી હતી, જે ગયા વર્ષ કરતા 36.6% વધુ છે. નબળા ચોમાસા, વધુ તાપમાન, ઓછા પવન અને હાઈડ્રો પાવર ઉત્પાદનમાં ઘટાડા અને દિવાળી પહેલા ઉદ્યોગોની વધેલી પ્રવૃત્તિને કારણે વીજ સંકટ સર્જાયું હતું.
આને પહોંચી વળવા સરકારે ઉદ્યોગો માટે સપ્તાહમાં એક દિવસ સ્ટેગર-ડે હેઠળ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી વીજકાપની જાહેરાત કરી હતી. ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર, રાજકોટ, મોરબીમાં પણ 5થી 11 વાગ્યા સુધી કાપની સૂચના અપાઈ હતી.
આ વીજકાપને કારણે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો હતો.400થી 450 પ્રોસેસિંગ મિલોએ જનરેટર પર 4 અઠવાડિયામાં 40થી 50 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડ્યો, એટલે કે દરેક મિલને 10 લાખનો ખર્ચવીવિંગ સેક્ટરને એક જ દિવસમાં 15થી 20 કરોડનું નુકસાન,સાપ્તાહિક 300 કરોડના નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ હતી
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વાખરીયાએ કહ્યું હતું કે 50 વર્ષના અનુભવમાં આવો કપરો સમય ક્યારેય જોયો નથી.
ઉદ્યોગ સંગઠનો SGCCI અને ફોગવા દ્વારા સરકારમાં ઉગ્ર રજૂઆતો કરાયા બાદ 23 ઓક્ટોબર શુક્રવારે DGVCL એ ઉચ્ચ અધિકારીઓના આદેશ પર વીજકાપ પાછો ખેંચવાનો મેસેજ મોકલ્યો હતો. SGCCI પ્રમુખ અશોક જીરાવાલા અને પાંડેસરા વીવર્સ એસોસિએશનના આશિષ ગુજરાતીએ આ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું કે આનાથી ગુજરાતમાં વધુ રોકાણ આવશે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
