તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
પાલતુ પ્રાણીઓના શોખીનો અને વેપારીઓ માટે મોટા સમાચાર: બિલાડીઓ બાદ હવે 'પેટ શૉપ'નું રજિસ્ટ્રેશન પણ બન્યું ફરજિયાત, નિયમ તોડ્યો તો દુકાનો થશે સીલ!
ગુજરાતમાં પ્રથમ વખત SPCA એ ૨૦ મોટી પેટ શૉપ્સને ફટકારી આખરી નોટિસ; ગેરકાયદેસર વન્યજીવોના વેચાણ અને પ્રાણીઓ પર થતી ક્રૂરતા રોકવા તંત્ર એક્શન મોડમાં

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન દ્વારા ઘરમાં પાળેલી બિલાડીઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યા બાદ, હવે પાલતુ પ્રાણીઓનો વેપાર કરતા તત્વો પર લગામ કસવા માટે એક મોટો કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો છે. ‘સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ’ (SPCA) દ્વારા હવે પેટ શૉપ્સ (પાળતુ પ્રાણીઓની દુકાનો) માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય કરી દીધું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જે દુકાનદારો આ નિયમનું પાલન નહીં કરે અને રજિસ્ટ્રેશન વિના ગેરકાયદેસર રીતે દુકાન ચલાવશે, તેમની પેટ શૉપને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવશે.
ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારનું આકરૂં પગલું પ્રથમ વખત લેવાઈ રહ્યું છે. એસપીસીએ (SPCA) એ લાલઆંખ કરીને અમદાવાદ શહેરભરની ૨૦ જેટલી અગ્રણી પાલતુ પ્રાણીઓની દુકાનોને ત્રીજી અને અંતિમ નોટિસ ફટકારી દીધી છે. આ નોટિસમાં તમામ વેપારીઓને ‘ગુજરાત એનિમલ વેલફેર બોર્ડ’ (પશુ કલ્યાણ બોર્ડ) માં તાત્કાલિક નોંધણી કરાવવાનો કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ છેલ્લી નોટિસ બાદ પણ બેદરકારી દાખવવામાં આવશે, તો પોલીસ ફોર્સને સાથે રાખીને દુકાનો બંધ કરાવી સીલ મારવાની કાનૂની કાર્યવાહી શરૂ કરાશે.
રજિસ્ટ્રેશન પાછળનો મુખ્ય હેતુ શું છે?
· ગેરકાયદે વેપાર પર રોક: શેડ્યૂલ-૧ હેઠળ આવતા સંરક્ષિત અને દુર્લભ વન્યજીવોના કાળા બજાર અને ગેરકાયદે વેચાણને અટકાવી શકાશે.
· પ્રાણીઓની સુરક્ષા: ભીડભાડવાળી, અંધારી અને ગંદી જગ્યાઓમાં રાખવામાં આવતા બીમાર મૂંગા પ્રાણીઓની સ્થિતિમાં મોટો સુધારો થશે.
· ગ્રાહકોની સલામતી: પાલતુ પ્રાણીઓના શોખીનોને છેતરાયા વિના બોર્ડ દ્વારા પ્રમાણિત (Certified) થયેલા તંદુરસ્ત પ્રાણીઓ મળી રહેશે.
એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં પહેલીવાર પ્રાણીઓનું વેચાણ કરતા એકમો માટે આ પ્રકારનું કડક રજિસ્ટ્રેશન માળખું તૈયાર કરાયું છે. આગામી દિવસોમાં વન વિભાગ અને એસપીસીએની વિશેષ ટીમો દ્વારા આ પેટ શૉપ્સનું ઓચિંતું ઇન્સ્પેક્શન (તપાસ) કરવામાં આવશે. આ તપાસ દરમિયાન દુકાનની અંદરની સ્વચ્છતા, હવા-ઉજાસ (વેન્ટિલેશન), પ્રાણીઓ રાખવા માટેની પૂરતી જગ્યા, ગુણવત્તાયુક્ત ખોરાક અને પશુચિકિત્સક (વેટરનરી ડૉક્ટર) દ્વારા નિયમિત કરાતી હેલ્થ તપાસ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
તંત્રનો મુખ્ય હેતુ નફાખોરી માટે બીમાર અને અસહાય પ્રાણીઓને પીડાદાયક સ્થિતિમાં વેચતા બુટલેગરોને નાથવાનો છે. આ સાથે જ વહીવટી તંત્રએ તમામ પ્રાણીપ્રેમી નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે, પોતાના ઘરમાં લાવવા માટે કોઈપણ પાલતુ પ્રાણી માત્ર અને માત્ર સરકાર માન્ય લાયસન્સ ધરાવતી દુકાનોમાંથી જ ખરીદે, જેથી મૂંગા જીવો પર થતી ક્રૂરતાને અટકાવી શકાય.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
