તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 8th September 2026
ગુજરાતના ઉદ્યોગો અને વ્યાપારી સંસ્થાઓ માટે મોટા સમાચાર: હવે ૧૦ કે તેથી વધુ શ્રમિકો ધરાવતી દરેક સંસ્થાએ 'શ્રમ સેતુ પોર્ટલ' પર નોંધણી કરાવવી ફરજિયાત
શ્રમ આયુક્ત કચેરીનો કડક આદેશ: નવી સંસ્થાઓએ ૬૦ દિવસમાં અને જૂની સંસ્થાઓએ ૧૮૦ દિવસમાં 'ફોર્મ-૧' ભરીને પ્રમાણપત્ર મેળવવું પડશે, નહીં તો થશે કાર્યવાહી

ગાંધીનગર તા.08: ગુજરાતમાં શ્રમિકોની સુરક્ષા, ઉત્તમ આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ પારદર્શક તથા સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના 'ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ, ૨૦૨૦' (OSH&WC Code) અંતર્ગત હવે ગુજરાતમાં ૧૦ કે તેથી વધુ શ્રમયોગીઓ (શ્રમિકો) રોકતા તમામ કારખાનાઓ, બાંધકામ સાઇટ્સ, ઔદ્યોગિક તેમજ વાણિજ્યિક કે વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી કરાવવી અનિવાર્ય કરી દેવામાં આવી છે.
સરકારના આ નવા નિયમ મુજબ, રાજ્યની તમામ પાત્રતા ધરાવતી સંસ્થાઓ સરળતાથી પ્રક્રિયા પૂર્ણ કરી શકે તે માટે 'શ્રમ સેતુ પોર્ટલ' (shramsetu.gujarat.gov.in) કાર્યરત કરવામાં આવ્યું છે. આ જોગવાઈ અનુસાર, કોઈપણ નવી સ્થપાતી સંસ્થાએ કોડ લાગુ થયાના માત્ર ૬૦ દિવસની અંદર જ ઓનલાઈન 'ફોર્મ-૧' ભરીને સત્તાવાર નોંધણી પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. જ્યારે અગાઉથી જૂના શ્રમ કાયદા હેઠળ નોંધાયેલી ચાલુ સંસ્થાઓએ આ નવો કોડ અમલમાં આવ્યાના ૧૮૦ દિવસની અંદર પોતાનું રજિસ્ટ્રેશન ઓનલાઈન અપડેટ કરી નવું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત રહેશે.
માત્ર નોંધણી કરાવવી પૂરતી નથી, પરંતુ તમામ માલિકોએ મેળવેલું આ સત્તાવાર નોંધણી પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય પ્રવેશદ્વાર કે દેખીતા સ્થળે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવાનું પણ અનિવાર્ય કરાયું છે. શ્રમ આયુક્તની કચેરી દ્વારા તમામ સંબંધિત માલિકો અને સંચાલકોને નિર્ધારિત સમયમર્યાદામાં આ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવા કડક તાકીદ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ દંડકીય કાર્યવાહીથી બચી શકાય.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
