તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
ખેડૂતો માટે મોટા સમાચાર: ૨૦૨૬માં મેઘરાજા ગુજરાત પર રહેશે મહેરબાન, પરેશ ગોસ્વામીની આગાહી- ‘ચોમાસું નબળું નહીં પણ સંતુલિત રહેશે’
સ્કાયમેટની ‘નબળા ચોમાસા’ની આગાહી વચ્ચે પરેશ ગોસ્વામીએ આપી મોટી રાહત: ગુજરાતમાં ૯૫ ટકાથી વધુ વરસાદની શક્યતા અને અલ-નીનોની નહીં થાય અસર, ૧૫ જૂન આસપાસ થશે ચોમાસાનું આગમન

રાજકોટ: ગુજરાતમાં ૨૦૨૬નું ચોમાસું કેવું રહેશે તેને લઈને ખેડૂતો અને સામાન્ય જનતામાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા નબળા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના કારણે ચિંતાના વાદળો છવાયા હતા. જોકે, જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ ચિંતા દૂર કરતા જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાની કે દુષ્કાળ પડવાની કોઈ જ શક્યતા નથી.
સંતુલિત વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ
પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાના હવામાનના પેરામીટર્સ સૂચવે છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાતમાં સરેરાશ ૯૦ થી ૯૫ ટકા અને અમુક ભાગોમાં ૯૮ ટકા સુધી વરસાદ પડી શકે છે. ખાસ વાત એ છે કે છેલ્લા ૫ વર્ષોમાં ગુજરાતમાં ૧૨૦ થી ૧૩૦ ટકા જેટલો અતિવૃષ્ટિ સમાન વરસાદ થયો હતો, જેના કારણે પાકને નુકસાન થતું હતું. તેની સરખામણીએ ૨૦૨૬નું ચોમાસું ‘સંતુલિત’ રહેવાનું હોવાથી તે ખેતી માટે વધુ ફાયદાકારક સાબિત થશે.
અલ-નીનોની નહીં પડે માઠી અસર
ચોમાસા દરમિયાન ‘અલ-નીનો’ સક્રિય થવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. સામાન્ય રીતે અલ-નીનો સક્રિય થાય ત્યારે વરસાદ ઓછો પડતો હોય છે, પરંતુ પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે જો અલ-નીનો સક્રિય થશે તો પણ તેની અસર ભારત અને ખાસ કરીને ગુજરાત પર વર્તાય ત્યાં સુધીમાં તો ચોમાસું વિદાય લઈ ચૂક્યું હશે. આમ, આ વર્ષે વરસાદ પર અલ-નીનોની કોઈ મોટી નકારાત્મક અસર જોવા નહીં મળે.
સમયસર આગમનની શક્યતા
આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમયે એટલે કે ૧૫ જૂનની આસપાસ ગુજરાતમાં દસ્તક દેશે. સ્કાયમેટે ભલે ગુજરાતમાં ૯૪ ટકા વરસાદ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ખાધની આગાહી કરી હોય, પરંતુ સ્થાનિક હવામાનના પલટા અને પેરામીટર્સ જોતા ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી.
આ આગાહીથી રાજ્યના લાખો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જો આગાહી મુજબ સંતુલિત વરસાદ થાય, તો આ વર્ષે રવિ અને ખરીફ બંને પાક માટે સાનુકૂળ પરિસ્થિતિ નિર્માણ પામશે. હવે જોવાનું એ રહે છે કે મેઘરાજા ક્યારે અને કેવી રીતે ગુજરાતને તરબોળ કરે છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
