<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

મોટા ગરબા પર GST વિભાગની ચાંપતી નજર રહેશેઃ રૂ.૫૦૦થી વધુના પાસ પર ૧૮% ટેક્ષ

કોમ્‍પ્‍લીમેન્‍ટરી ઉપર પણ ટેક્ષ

વડોદરા,તા.૮: નવરાત્રિનો પર્વ માત્ર આસ્‍થા અને પરંપરાનો ઉત્‍સવ નથી, પરંતુ મોટા કોમર્શિયલ ગરબા આયોજકો માટે મોટું આર્થિક બજાર પણ બની ચૂક્‍યો છે. સરકારી માલિકીના મેદાનો ગરબા માટે નજીવા ભાડે ફાળવાયા છે. આ સહિત મોટા ગરબામાં આયોજનોમાં ખેલૈયાઓ પાસેથી પાસ માટે હજારો રૂપિયા ખંખેરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ, ગરબાના રૂા.૫૦૦ કે તેથી વધુના પાસ પર આયોજકો પાસે ૧૮ ટકા GST વસૂલવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન કોમર્શિયલ અને શેરીઓના મળી અંદાજે ૫૦૦થી વધુ ગરબાનું આયોજન કરવામાં આવે છે. એક સમયે મોટા ભાગના ગરબામાં મહિલાઓને નિઃશુલ્‍ક પ્રવેશ હતો. જે બાદ કેટલાક મોટા આયોજકોના પાપે આ પરંપરા વિસરાતી જાય છે. નવરાત્રિમાં ચર્ચાનો સૌથી મોટો મુદ્દો પ્‍લેયર્સ પાસની કિમત છે. શહેરના મોટા ગરબા આયોજનોમાં પાસના દર રૂા.૧,૪૦૦થી રૂા.૬,૦૦૦ને આંબી ગયા છે. નવરાત્રિમાં રૂા.૫૦૦થી વધુ દરના પાસના વેચાણ પર ૧૮% GST વસૂલાય છે. આ ઉપરાંત મફત પાસ, સ્‍પોન્‍સરશિપ અને ફૂડ-બેવરેજ સ્‍ટોલ્‍સ પર પણ આયોજકોને GST ભરવો પડે છે. અહીં સવાલ માત્ર GST વસૂલાયો કે નહીં? એટલો જ નથી, પરંતુ કેટલા પાસ વેચાયા, નવ દિવસમાં કુલ ટર્ન ઓવર કેટલું ? અને તેના આધારે કેટલો ટેક્‍સ ચૂકવાયો તે અંગે પારદર્શિતા કેટલી છે ? તે પણ મહત્‍વનું છે. સંસ્‍કારી નગરીમાં નવરાત્રિ હવે માત્ર આસ્‍થા કે પરંપરા પૂરતી સીમિત રહી નથી, પરંતુ વહીવટી તંત્રની મહેરબાની હેઠળ સામાન્‍ય નાગરિકોના ખિસ્‍સા ખંખેરવાનો સુવ્‍યવસ્‍થિત વેપલો બની ગઈ છે. કોર્પોરેશન દ્વારા શહેરના સંસ્‍કૃતિ પ્રેમી આયોજકોને પ્રોત્‍સાહન આપવાના બહાને પોતાના કરોડોની રૂપિયાની કિમતના પ્‍લોટ્‍સ માત્ર રૂા.૧ના ટોકન ભાડે આપી દેવામાં આવે છે. પરંતુ આ ગાઉન્‍ડ્‍સ પર પગ મૂકતા જ ખેલૈયાઓ પાસેથી પાસના નામે રૂા.૧૦૦૦થી રૂા.૧,૫૦૦ સુધીની તોતિગ રકમ વસૂલવામાં આવી રહી છે. સવાલ એ ઊભો થાય છે કે, જો જમીન પ્રજાના ટેક્‍સના પૈસાની છે અને ભાડું માત્ર એક રૂપિયો છે. તો ખેલૈયાઓ પાસેથી વસૂલાતી કરોડોની રકમ કોના ખિસ્‍સામાં જઈ રહી છે? ઉલ્‍લેખનિય છે કે, ટેક્‍સ ચોરી સહિતના મામલે ખાસ કરીને મોટા ગરબા પર GSTની ચાંપતી નજર રહેશે.

(1:22 PM IST)