તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
અમદાવાદમાં PG અને બેચલર્સને મકાન ભાડે આપવાનો મોટો વિવાદ હવે હાઈકોર્ટમાં: AMC અને રાજ્ય સરકાર પાસે જવાબ તલબ, કડક આદેશો છતાં ધમધમતા અનધિકૃત PG સામે નારાજગી
રહેણાંક વિસ્તારોમાં B.U. પરમિશન વિના ચાલતા PG, ગેરકાયદે બાંધકામ અને ન્યુસન્સ મામલે હાઈકોર્ટ લાલઘૂમ: સોસાયટીના રહીશોની સુરક્ષા અને શાંતિ જોખમાતા કાયદાકીય કાર્યવાહીની માગ

અમદાવાદ : અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારોમાં ધમધમતી પેઇંગ ગેસ્ટ (PG) અને બેચલર્સને મકાનો ભાડે આપવાની પ્રવૃત્તિ સામે સ્થાનિક રહીશોનો વિરોધ હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. શહેરના ઓગણજ વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટી અને ગ્રીનવૂડ લેક સોસાયટીના મકાન માલિકો દ્વારા હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ રિટ અરજી દાખલ કરવામાં આવી છે. સતત વધી રહેલા અનધિકૃત PG, નિયમો વિરુદ્ધના ગેરકાયદે બાંધકામો અને બેચલર્સની પ્રવૃત્તિઓ સામે રહીશોએ ઉગ્ર વાંધો ઉઠાવ્યો છે. આ અરજીને ગંભીરતાથી લઈને હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને નોટિસ પાઠવી આકરા સવાલો પૂછ્યા છે અને સમગ્ર મામલે સ્પષ્ટ જવાબ માગ્યો છે.
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રહેણાંક વિસ્તારમાં કાયદા અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓને કોરાણે મૂકીને બેફામપણે ચાલતી આવી પ્રવૃત્તિઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. અરજદારો તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આ સમગ્ર વિસ્તારમાં ૨૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે અને નજીકના પ્લોટો મળીને ૫૦૦થી વધુ મિલકતો આવેલી છે. શાંત રહેણાંક મિલકતોમાં કોઈપણ જાતની વ્યાવસાયિક મંજૂરી કે B.U. પરમિશન મેળવ્યા વિના જ ગેરકાયદે હોસ્ટેલો અને PG ચલાવવામાં આવી રહ્યા છે. ચોક્કસ વ્યાવસાયિકોના આર્થિક ફાયદા માટે ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે.
સ્થાનિકોની રજૂઆત મુજબ, આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ તથા કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (CGDCR)ની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. સાંકડા રહેણાંક રસ્તાઓ પર અનધિકૃત રીતે ચાલી રહેલા PGના કારણે સોસાયટીઓમાં અસહ્ય ન્યુસન્સ ઊભું થાય છે, ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને ગેરકાયદે પાર્કિંગ વધવા લાગ્યું છે. આ ઉપરાંત મોડી રાત સુધી થતા ધ્વનિ પ્રદૂષણના કારણે ખાસ કરીને સિનિયર સિટિઝન્સની શાંતિ, સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે.
અરજદારોએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે AMC દ્વારા પોતે જ અગાઉ જાહેર નોટિફિકેશન બહાર પાડીને રહેણાંક વિસ્તારમાંથી હોસ્ટેલમાં ફેરવાઈ ગયેલી અનધિકૃત મિલકતો સામે ચેતવણી આપવામાં આવી હતી. આમ છતાં, જમીન પર કોઈ નક્કર મૂલ્યાંકન કે કડક તપાસ કરવામાં આવતી નથી. જો AMC અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે ગંભીરતાથી તપાસ હાથ ધરે, તો આવી મિલકતોને સીલ કરવા સુધીની અને મંજૂરી વગરના બાંધકામોને તાત્કાલિક ધોરણે અટકાવવાની અસરમાંડ કાર્યવાહી થઈ શકે છે. સ્થાનિક રહીશોએ હાઈકોર્ટ સમક્ષ આ મામલે કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી ભારપૂર્વક માગ કરી છે.
અમદાવાદમાં માત્ર ઓગણજ વિસ્તાર જ નહીં, પરંતુ શહેરના અન્ય પોશ અને શૈક્ષણિક વિસ્તારોમાં પણ અનધિકૃત PGનો પ્રશ્ન વિકટ બન્યો છે. વસ્ત્રાપુર, જોધપુર, સેટેલાઈટ, ગુરુકુલ, મેમનગર, બોડકદેવ, માનસી ચાર રસ્તા, નવરંગપુરા અને સી.જી. રોડ જેવા વિસ્તારોમાં પણ અનેક PG કાયદાકીય મંજૂરીઓ વિના ધમધમી રહ્યા છે, જેને કારણે સ્થાનિક રહીશો અનેકવાર મુશ્કેલીમાં મુકાયા છે. હવે જ્યારે હાઈકોર્ટે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે સમગ્ર શહેરમાં ગેરકાયદે ચાલતા PG અને હોસ્ટેલો સામે તંત્ર દ્વારા મોટા પાયે સીલિંગ અને ઝુંબેશ ચલાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
