News of Sunday, 9th August 2026
સાગબારાના ખોપી વિસ્તારમાં વન જમીન મુદ્દે મોટો વિવાદ: આદિવાસી સમાજનું જળ, જંગલ અને જમીનના અધિકાર માટે અચોક્કસ મુદતનું આંદોલન
ન્યાયની માંગણી: જંગલ જમીન અધિકાર કાયદા હેઠળ હક્ક આપવા માગ; યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોની ચેતવણી

સાગબારા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા અંતર્ગત આવતા ખોપી વિસ્તારમાં જંગલ જમીનનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. વર્ષોથી જમીન ખેડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી ખેડૂતોએ પોતાના જમીન અધિકાર અને ન્યાયી હક્ક માટે હવે આક્રમક વલણ અપનાવ્યું છે. તંત્ર અને વન વિભાગના વલણ સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને સ્થાનિક આદિવાસી ખેડૂતો ચોમાસાની ધોધમાર ઋતુ વચ્ચે પણ ખુલ્લા આકાશ નીચે ધરણા પ્રદર્શન પર બેસી ગયા છે.
સમગ્ર વિવાદ શું છે?
મળતી માહિતી મુજબ, સાગબારાના ખોપી અને આસપાસના જંગલ વિસ્તારમાં આદિવાસી ખેડૂતો પેઢીઓથી જમીન ખેડીને આજીવિકા મેળવી રહ્યા છે. 'ફોરેસ્ટ રાઈટ એક્ટ' (વન અધિકાર અધિનિયમ) હેઠળ તેઓ આ જમીન પર કાયદેસરના હક્કપત્રક (દાવા) આપવાની માંગ કરી રહ્યા છે. જોકે, વન વિભાગ દ્વારા આ જમીનો પરથી તેઓને ખસેડવાની કે કામગીરીમાં અડચણ ઊભી કરવાની કવાત કરાતી હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ખુલ્લા આકાશ નીચે વિરોધ પ્રદર્શન:
પોતાની જમીન બચાવવા અને ન્યાય મેળવવા માટે પુરુષો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ આંદોલનમાં જોડાઈ છે. વરસાદી માહોલ હોવા છતાં આદિવાસી ખેડૂતો પોતાના પરંપરાગત વાજિંત્રો અને બેનરો સાથે ખુલ્લા આકાશ નીચે ધરણા પર બેસી ગયા છે. તેઓની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા તેઓને જમીનના કાયદેસરના હક્ક આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ સ્થળ પરથી ખસશે નહીં.
તંત્ર સામે આક્રોશ અને ન્યાયની માંગ:
આંદોલનકારી ખેડૂતોનું કહેવું છે કે, "જળ, જંગલ અને જમીન પર આદિવાસીઓનો પ્રાકૃતિક અને કાયદાકીય અધિકાર છે. અમે દાયકાઓથી આ જમીન સાચવી છે અને ખેડી રહ્યા છીએ. તંત્ર દ્વારા અમારી માંગણીઓને સતત અણદેખી કરવામાં આવી રહી છે, જેના કારણે અમારે મજબૂર બનીને રોડ પર ઉતરવું પડ્યું છે."
સ્થાનિક આદિવાસી આગેવાનો અને ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો વહીવટી તંત્ર કે વન વિભાગ દ્વારા વહેલી તકે સકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ આંદોલનને સમગ્ર જિલ્લા સ્તરે વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
