<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

રાજ્યના હવામાનમાં મોટો પલટો:આકરી ગરમીનું મોજું ફરી વળશે ; આવતા સપ્તાહથી અંગ દઝાડતો આકરો તાપ પડશે

હવે દરરોજ 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે:આગામી 12 થી 17 મે દરમિયાન ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે : પરેશ ગોસ્વામીની આગાહી

:અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના હવામાનમાં નાટ્યાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. જેમાં ભરઉનાળે વાદળછાયાં વાતાવરણ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાના સંકેત આપ્યા છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ચારેક દિવસથી થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને છૂટાછવાયા ઝાપટામાંથી હવે મુક્તિ મળશે. હકીકતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી ગયું હોવાથી આવનારા બે દિવસોમાં વરસાદનું જોર ઘટી જશે.

ગુજરાતમાં અત્યાર સુધી 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જો કે હવે પવનની ગતિ ઘટીને 15 થી 20 કિમી પ્રતિકલાકની થઈ જશે. પવનની ગતિ ઘટવાની સાથે જ તાપમાનમાં ઉત્તરોત્તર વધારો નોંધાશે.

અત્યારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રીની આસપાસ છે, તેમાં આવતીકાલે એટલે કે 8 મેથી દરરોજ 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આગામી 12 થી 17 મે દરમિયાન ગુજરાતમાં આકરી ગરમીનું મોજું ફરી વળશે. 

આ સમયગાળામાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે, તો કેટલાક ભાગોમાં 45 ડિગ્રીને પણ પાર જવાની શક્યતા છે. આ ગરમી છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. જે બાદ 18 થી 20 મે દરમિયાન માવઠાની કોઈ શક્યતા નથી. આથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.

(12:31 AM IST)