તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ગુજરાતના હવામાનમાં મોટો પલટો: ૩૧ મે થી ૪ જૂન દરમિયાન રાજ્યમાં 'લોટરી વરસાદી રાઉન્ડ'ની ધમાકેદાર શક્યતા!
વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત, સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છમાં તાપમાન બે ડિગ્રી ઘટતાં પારો ૩૯ થી ૪૨ ડિગ્રીની રેન્જમાં સ્થિર થશે; ગુજરાત રિજિયનમાં ભારે વરસાદની પણ સંભાવના તો સૌરાષ્ટ્ર કચ્છ માં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ઝાપટાની સંભાવના

રાજકોટ : ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવ અગનગોળા વરસી રહ્યા છે અને મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો નોર્મલ કરતાં ૨ થી ૩ ડિગ્રી ઊંચો નોંધાતાં જનજીવન તોબા પોકારી ગયું છે. જો કે, અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી વચ્ચે હવે આકરા ઉનાળાનો અંત નજીક હોય તેમ વાતાવરણમાં મોટા પલટાના સંકેતો મળી રહ્યા છે. જાણીતા વેધર એનાલિસ્ટ *અશોકભાઈ પટેલ*ના જણાવ્યા અનુસાર, આગામી ૩૧ મે થી ૪ જૂન દરમિયાન ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 'લોટરી વરસાદી રાઉન્ડ' જોવા મળી શકે છે, જેને પગલે તાપમાનમાં પણ ૨ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.
ગઈકાલે તાપમાનનો પારો નોર્મલ કરતાં ૩ ડિગ્રી સુધી ઊંચો રહ્યો
ગઈકાલે ૨૮ મેના રોજ ગુજરાત રાજ્યના ઘણા ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં આશરે ૧.૫°C થી ૩°C વધુ નોંધાયું હતું. હાલમાં રાજ્યમાં સામાન્ય મહત્તમ તાપમાન આશરે ૪૦.૫°C થી ૪૨°C આસપાસ હોવું જોઈએ, જેની સામે ગઈકાલે વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાન નીચે મુજબ છે:
સુરેન્દ્રનગર:* ૪૪.૭°C (નોર્મલ કરતાં ૨.૩°C વધુ)
અમદાવાદ:* ૪૪.૪°C (નોર્મલ કરતાં ૨.૫°C વધુ)
રાજકોટ:* ૪૩.૬°C (નોર્મલ કરતાં ૨.૮°C વધુ)
ભાવનગર:* ૪૨.૮°C (નોર્મલ કરતાં ૨.૭°C વધુ)
ડીસા:* ૪૨.૨°C (નોર્મલ કરતાં ૧.૨°C વધુ)
અમરેલી:* ૪૧.૯°C (નોર્મલ કરતાં ૧.૪°C વધુ)
તેઓ જણાવે છે કે મોન્સૂન આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. વાતાવરણમાં ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) ના બુલેટિન અનુસાર, દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની ઉત્તર સીમા (NLM) હાલમાં પ્રગતિના પંથે છે. આગામી ૨ થી ૩ દિવસ દરમિયાન મોન્સૂન દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના વધુ વિસ્તારો, લક્ષદ્વીપ, બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તર પૂર્વના ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ સ્થિતિ છે.
આ ઉપરાંત વાતાવરણના ઉપરના સ્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ પવનોમાં ટ્રફ સ્વરૂપે સક્રિય છે. સાથોસાથ મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારો પર ૧.૫ કિમીની ઊંચાઈ સુધી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જે ત્યાંથી લઈને છેક ઉત્તર આંતરિક ઓડિશા સુધી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ થઈને પસાર થાય છે. આ સિસ્ટમોને કારણે વાતાવરણમાં મોટો બદલાવ આવી રહ્યો છે.
વેધરએનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ ૨૯ મે થી ૪ જૂન સુધીની આગાહી કરતા જણાવે છે કે
શરૂઆતના પ્રથમ બે દિવસ પવનો મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ દિશાના રહેશે અને તેની ઝડપ ૧૫ થી ૨૫ કિમી/કલાકની રહેશે, જ્યારે ઝાટકાવાળા પવનો ૨૫ થી ૩૫ કિમી/કલાક સુધી પહોંચી શકે છે. ત્યારબાદ ૩૧ મે કે ૧ જૂનથી વાતાવરણની અસ્થિરતાને કારણે પવનની દિશા અને ગતિમાં ફેરફાર જોવા મળશે.
જ્યારે વરસાદ ની વાત કરીએ તો
૩૧ મે થી ૪ જૂન દરમિયાન ગુજરાત રિજિયનના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જ કોઈક કોઈક (આઈસોલેટેડ) વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
આ જ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ એકલ-દોકલ વિસ્તારોમાં પણ એકાદ-બે દિવસ હળવા ઝાપટાં અથવા હળવો વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.
તાપમાન ૩૯°C થી ૪૨°C ની રેન્જમાં આવશે
આ વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાનમાં આશરે ૨°C જેટલો ઘટાડો નોંધાશે, જેથી તાપમાન નોર્મલ સપાટીની નજીક આવી જશે. આગાહીના દિવસો દરમિયાન તાપમાન ૩૯°C થી ૪૨°C ની રેન્જમાં રહેવાની ધારણા છે, જેમાં દિવસ પ્રમાણે ૧°C થી ૨°C નો ફેરફાર થઈ શકે છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
