<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સુરતમાં આરોગ્ય ક્ષેત્રે મોટો ધડાકો: સરથાણામાં રૂ. ૭.૩૦ કરોડના ખર્ચે બનશે હાઈટેક હોસ્પિટલ, મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કર્યું સરપ્રાઈઝ ઇન્સપેક્શન!

સામાન્ય નાગરિકોને એક જ છત નીચે મળશે વિશ્વસ્તરીય સારવાર અને આધુનિક સુવિધાઓ: આરોગ્ય મંત્રીએ સ્થળ પર પહોંચી નિર્માણકાર્યની સમીક્ષા કરી ઝડપી કામગીરી માટે આપી સૂચનાઓ

સુરત : હીરા નગરી સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા લાખો નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરથાણા ખાતે સ્થાનિક રહીશોને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી રૂ. ૭.૩૦ કરોડના ભવ્ય ખર્ચે નવીન આધુનિક હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ નિર્માણાધીન હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પોતે સ્થળ પર પહોંચીને સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.

 

મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના એન્જિનિયરો અને સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા કરી કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. આ આધુનિક હોસ્પિટલ તૈયાર થઈ જવાથી સ્થાનિક નાગરિકોને પ્રાથમિક સારવારથી લઈને જટિલ રોગોના નિદાન સુધીની તમામ હાઈટેક સુવિધાઓ એક જ છત નીચે મળશે. જેથી દર્દીઓને મોંઘી ખાનગી હોસ્પિટલો કે શહેરના દૂરના વિસ્તારોમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

 

ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા આદેશ

 

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હોસ્પિટલના નિર્માણમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા અને નિર્ધારિત સમયમર્યાદામાં જ કામગીરી પૂર્ણ કરવા માટે તંત્રને કડક દિશા-નિર્દેશો આપ્યા હતા. આ આધુનિક હોસ્પિટલ ટૂંક સમયમાં જ જનતાની સેવામાં કાર્યરત થશે, જેનાથી સુરત શહેરના પૂર્વ વિસ્તારમાં આરોગ્ય માળખું વધુ મજબૂત અને સુદ્રઢ બનશે.

(7:05 PM IST)