<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ડાકલાના તાલે ધૂણતા-ધૂણતા ભુવાજી અચાનક ઢળી પડતા મોત

વીડિયો સો.મીડિયા પર થયો વાયરલ

પાટણ,તા.૧૭: પાટણના હાંસાપુર વિસ્‍તારની આસોપાલવ સોસાયટીમાં રમેલના કાર્યક્રમ દરમિયાન એક અત્‍યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. અડિયા ગામના ભુવાજી અમૃતલાલ બારોટ ધૂણતા-ધૂણતા અચાનક ઢળી પડ્‍યા હતા, ત્‍યારબાદ તેમનું મોત નિપજ્‍યું હતું. બે દિવસ અગાઉ રાત્રિના સમયે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પાટણ શહેરમાંથી એક અત્‍યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી દુર્ઘટના સામે આવી છે. શહેરના હાંસાપુર વિસ્‍તારમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં રાત્રિના સમયે આયોજિત માતાજીની રમેલ ના કાર્યક્રમ દરમિયાન ધૂણતા-ધૂણતા એક ભુવાજી અચાનક જમીન પર ઢળી પડ્‍યા હતા અને તેમનું કરુણ મોત નિપજ્‍યું હતું. બે દિવસ અગાઉ બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સૌ કોઈ સ્‍તબ્‍ધ થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, પાટણના હાંસાપુર વિસ્‍તારમાં આવેલી આસોપાલવ સોસાયટી ખાતે બે દિવસ અગાઉ રાત્રિના સમયે ધાર્મિક રમેલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં સ્‍થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ડાકલાના તાલે ભક્‍તિમય વાતાવરણ જામ્‍યું હતું અને આ કાર્યક્રમમાં અડિયા ગામના વતની અમૃતલાલ બારોટ નામના ભુવાજી ધૂણી રહ્યા હતા.

રમેલના કાર્યક્રમ દરમિયાન જ્‍યારે ભુવાજી અમૃતલાલ બારોટ ધૂણી રહ્યા હતા, તે જ સમયે અચાનક જ તેઓ સંતુલન ગુમાવીને જમીન પર ઢળી પડ્‍યા હતા. ચાલુ વિધિમાં ભુવાજીને અચાનક નીચે પટકાયેલા જોઈને ત્‍યાં હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્‍યા હતા અને કાર્યક્રમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આસપાસ ઉભેલા લોકો તાત્‍કાલિક તેમની પાસે દોડી ગયા હતા, પરંતુ ઢળી પડ્‍યા બાદ ભુવાજી અમૃતલાલ બારોટનું મોત નિપજ્‍યું હોવાનું સામે આવ્‍યું હતું. આ કરુણ બનાવને પગલે ઉત્‍સવ અને ભક્‍તિનો માહોલ પળવારમાં ઘેરા શોકમાં ફેરવાઈ ગયો હતો.

આ દુર્ઘટના બની ત્‍યારે ત્‍યાં હાજર કોઈ વ્‍યક્‍તિ દ્વારા મોબાઈલ ફોનમાં રમેલનો વીડિયો ઉતારવામાં આવી રહ્યો હતો, જેમાં ભુવાજી ધૂણતા-ધૂણતા અચાનક ઢળી પડતા હોય તેવા દ્રશ્‍યો કેદ થઈ ગયા હતા. આ વાયરલ વીડિયો  સોશિયલ મીડિયા પર ફરતો થતાં સમગ્ર પાટણ પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે. અડિયા ગામના ભુવાજી અમૃતલાલ બારોટના આકસ્‍મિક અવસાનથી તેમના પરિવારજનો અને ભક્‍તગણમાં ઘેરો શોક પ્રસરી ગયો છે.

(10:22 AM IST)