તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ભૂપેન્દ્રભાઈએ પોતાની સ્વ-ગણતરી ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરીઃ ડિજિટલ વસ્તી ગણતરીનો કરાવ્યો પ્રારંભ
રાજ્યના નાગરિકોને ૩૧ મે સુધી વિગતો સબમિટ કરી રાષ્ટ્રીય કવાયતમાં ભાગ લેવા અનુરોધ

ગાંધીનગરઃ ગુજરાતમાં જનગણના ૨૦૨૭ અન્વયે આજથી શરૂ થયેલી સ્વ-ગણતરી (સેલ્ફ-ઇન્યુમરેશન) નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી ઔપચારિક પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વસ્તી ગણતરીના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાના પરિવારની જરૂરી વિગતો ઓનલાઈન ભરીને આ પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યના તમામ નાગરિકોને પણ રાષ્ટ્રીય સ્તરની આ અત્યંત મહત્વપૂર્ણ કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા માટે અપીલ કરી હતી, જેથી એક સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિક પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે.
રાજ્યના લોકોને આજથી શરૂ કરીને તારીખ ૩૧ મે સુધીના નિર્ધારિત ૧૫ દિવસના સમયગાળામાં પોતાની વિગતો જાતે ઓનલાઇન સબમિટ કરવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે, ભારતના ઇતિહાસમાં વસ્તી ગણતરી-૨૦૨૭ પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ મોડથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ અનોખી પહેલ નાગરિકોને એક અત્યંત સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેના થકી લોકો ગમે ત્યાંથી પોતાની સચોટ માહિતી ઓનલાઇન સબમિટ કરી સમય અને શ્રમનો બચાવ કરી શકશે.
દેશના નાગરિકો વસ્તી ગણતરીની સત્તાવાર વેબસાઇટ https://se.census.gov.in/ પર જઈને જરૂરી માર્ગદર્શન મેળવી પોતાની સ્વ-ગણતરીની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકે છે. સક્રિય નાગરિક ભાગીદારીથી ઓનલાઈન વિગતો ભરાવવાથી સરકારને સમયસર અને બિલકુલ સચોટ માહિતી પ્રાપ્ત થશે. ગુજરાતમાં આ પ્રથમ તબક્કાની ગણતરી ૧૭ મે થી ૩૧ મે દરમિયાન વેબ પોર્ટલ પર લાઈવ રહેશે, જ્યાં નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ-ગણતરીમાં સીધા સહભાગી થઈ શકશે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
