News of Friday, 13th November 2026
સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા, પ્રખર કાનૂનવિદ્ અને રાષ્ટ્રભક્તિના પ્રતીક એટલે ભુલાભાઈ દેસાઈ
ગુજરાતની ધરતીના ગૌરવ શાળી સપૂત ભુલાભાઈ દેસાઈની આજે ૧૪૯મી જન્મજયંતિ : વલસાડ થી રાષ્ટ્રીય રાજકારણ સુધીની ગૌરવગાથાઃ ભુલાભાઈ દેસાઈના જીવનનું સંઘર્ષમય સફરનામું * કાયદાની ધાર, દેશભક્તિ નો જુસ્સો અને આઝાદીની લડતઃ ભુલાભાઈ દેસાઈ ની અવિસ્મરણીય રાષ્ટ્ર સેવાઃ કેન્દ્રીય ધારાસભામાં રાજકીય ભૂમિકા, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ સરકારનો વિરોધ, ભારત છોડો આંદોલન અને નબળી તબિયત, દેશના રાજકીય સમાધાન માટે લિયાકત અલી ખાન સાથે વાટાઘાટો, આઝાદ હિંદ ફોજના ઐતિહાસિક કેસમાં ભુલાભાઈ દેસાઈની ભૂમિકા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ગુજરાત ની પવિત્ર ધરતી એ દેશ ને અનેક એવા મહાન સપૂતો આપ્યા છે, જેમણે પોતાના જ્ઞાન, સાહસ, સંઘર્ષ અને અડગ રાષ્ટ્રપ્રેમ થી ભારતીય ઇતિહાસ માં અમીટ છાપ છોડી છે.
આવા જ ગુજરાત ના ગૌરવશાળી સપૂત, પ્રખર કાનૂનવિદ્, નિડર સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર સમર્પિત રાજકીય નેતા એટલે ભુલાભાઈ જીવનજી દેસાઈ.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં ભુલાભાઈ દેસાઈનું નામ વિશેષ સન્માન સાથે લેવામાં આવે છે. તેમણે પોતાની કાનૂની કુશળતાને માત્ર વ્યવસાય પૂરતી મર્યાદિતન રાખતાં દેશની આઝાદીની લડતનું એક મજબૂત હથિયાર બનાવી હતી , ખેડૂતો ના અધિકારો ની લડાઈ હોય, અંગ્રેજ શાસન સામે નો વિરોધ હોય કે પછી આઝાદ હિદ ફોજ ના સૈનિકો ના બચાવ માટેની ઐતિહાસિક કાનૂની લડત હોય, દરેક પ્રસંગે તેમણે અડગ હિમત, બુદ્ધિચાતુર્ય અને રાષ્ટ્રપ્રેમનો પરિચય આપ્યો હતો.
વલસાડની ધરતી પર જન્મેલા આ મહાન સપૂતે પોતાના જીવનનો દરેક તબક્કો દેશહિત અને જનસેવા માટે સમર્પિત કર્યો હતો. તેમનું જીવન માત્ર એક વકીલ કે રાજકીય નેતાની સફર નથી, પરંતુ દેશની સ્વતંત્રતા માટે જ્ઞાન, વિચારશક્તિ અને સંઘર્ષને સમર્પિત કરનાર એક અસાધારણ વ્યક્તિત્વની પ્રેરણા ગાથા છે.
ભુલાભાઈ દેસાઈએ પોતાની કાનૂની કુશળતા, અભ્યાસ, દલીલો અને રાષ્ટ્ર પ્રેમ થી ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં આગવી ઓળખ ઊભી કરી હતી.
ખાસ કરીને ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોની તરફેણમાં રજૂઆત અને ૧૯૪૫-૪૬માં આઝાદ હિંદ ફોજના અધિકારીઓના બચાવમાં ભજવેલી ભૂમિકાને કારણે તેમનું નામ ભારતીય ઇતિહાસમાં સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે. ભારત સરકારના પ્રકાશન વિભાગે પણ તેમને આઝાદ હિદ ફોજના અધિકારીઓના બચાવ માટે વિશેષ રીતે યાદ કર્યા છે.
ભુલાભાઈ જીવનજી દેસાઈ નો જન્મ ૧૩ ઓક્ટોબર, ૧૮૭૭ ના રોજ ગુજરાતના વલસાડ (તે સમયનું બુલસાર), ખાતે એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા જીવનજી સરકારી વકીલાત સાથે સંકળાયેલા હતા, જ્યારે માતા રમાબાઈ ધાર્મિક સ્વભાવ ધરાવતાં હતાં.
બાળપણથી જ ભુલાભાઈ અભ્યાસમાં તેજસ્વી હતા. તેમણે વલસાડમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ મુંબઈમાં આગળનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૮૯૫માં તેમણે મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી, તેમના જીવનની શરૂઆતથી જ શિક્ષણ અને કાયદાના ક્ષેત્રમાં આગળ વધવાની દિશા સ્પષ્ટ થવા લાગી હતી.
ભુલાભાઈ એ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. વર્ષ ૧૯૦૧માં તેમણે અંગ્રેજી વિષયમાં એમ.એ.ની પદવી મેળવી હતી, ત્યાર બાદ અમદાવાદની ગુજરાત કોલેજ માં અંગ્રેજી અને ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે કામગીરી શરૂ કરી હતી. જોકે શિક્ષણ ક્ષેત્રમાં થોડો સમય કાર્ય કર્યા બાદ તેમણે કાયદાના અભ્યાસ તરફ વળવાનો નિર્ણય કર્યો.
વર્ષ ૧૯૦૫માં તેઓ મુંબઈ હાઈકોર્ટમાં વકીલ તરીકે જોડાયા. તેમની અંગ્રેજી ભાષા પરની પકડ, કાનૂની જ્ઞાન, દલીલ કરવાની ક્ષમતા અને કેસની ઊંડી સમજને કારણે ટૂંકા સમયમાં જ તેઓ મુંબઈના અગ્રણી વકીલોમાં સ્થાન પામ્યા , તેમની કાનૂની કારકિર્દી લગભગ ચાર દાયકાથી વધુ સમય સુધી વિસ્તરેલી રહી હતી.
ભુલાભાઈ દેસાઈ માત્ર વકીલાત સુધી મર્યાદિત રહ્યા નહોતા , દેશ ની રાજકીય પરિસ્થિતિ અને અંગ્રેજ શાસન સામે ભારતીયોને મળતા અધિકારો અંગે તેઓ સક્રિય બન્યા હતા, તેમણે એની બેસન્ટ ની ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ સાથે જોડાઈને રાજકીય પ્રવૃત્તિ ઓમાં ભાગ લીધો હતો.
શરૂઆતમાં તેઓ ભારતીય રાજકારણમાં બ્રિટિશ પ્રભાવ અંગે ઉદારમતવાદી અભિગમ ધરાવતા હતા, પરંતુ સમય જતાં અંગ્રેજ શાસનની નીતિઓનો વિરોધ કરવા લાગ્યા , ખાસ કરીને સાઇમન કમિશનમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાને કારણે તેમણે તેનો વિરોધ કર્યો હતો.
ભુલાભાઈ ૧૯૩૦ માં સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ સ્વાતંત્ર્ય ચળવળમાં વધુ સક્રિય ભૂમિકા ભજવી.
તેમણે ખેડૂતોના પ્રશ્નો, મહેસૂલ વધારાની નીતિ અને સરકારી કાર્યવાહી અંગે દલીલો કરી હતી. ખેડૂતોની તરફેણમાં તેમની રજૂઆતો આંદોલનને કાનૂની આધાર આપવામાં મદદરૂપ બની હતી.
આ સંઘર્ષના પરિણામે સરકારને તપાસ કરવી પડી અને ખેડૂતોને રાહત મળી. જપ્ત કરાયેલી જમીનો પરત કરવા અને કેદીઓને મુક્ત કરવા સહિતના મુદ્દાઓમાં પણ આંદોલનને સફળતા મળી, કહેવાય છે કે આ ઘટના એ સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઈ વચ્ચે ના રાજકીય સહકાર ને વધુ મજબૂત બનાવ્યો હતો.
ભુલાભાઈ દેસાઈ માનતા હતા કે ભારતની આર્થિક સ્વતંત્રતા માટે સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ અને વિદેશી માલનો બહિષ્કાર જરૂરી છે.
આ વિચારને આગળ વધારવા માટે તેમણે સ્વદેશી સભાની સ્થાપના કરી હતી , તેમણે આશરે ૮૦ કાપડ મિલો ને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો , તેનો મુખ્ય હેતુ ભારતીય ઉદ્યોગો ને પ્રોત્સાહન આપવાનો અને વિદેશી માલ પરની નિર્ભરતા ઘટાડવાનો હતો.
અંગ્રેજ સરકારે આ પ્રવૃત્તિ ઓને ગેરકાયદેસર જાહેર કરી હતી , વર્ષ ૧૯૩૨ માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં જવું પડ્યું હતું.
વર્ષ ૧૯૩૪ માં ભુલાભાઈ દેસાઈ ગુજરાત માંથી કેન્દ્રીય ધારાસભા માટે ચૂંટાયા હતા, ત્યારબાદ તેઓ કોંગ્રેસ ના ચૂંટાયેલા સભ્યો ના નેતા બન્યા હતા , ધારાસભા માં તેમણે ભારતીયો ના રાજકીય અધિકારો, સ્વરાજ, બ્રિટિશ સરકારની નીતિઓ અને દેશના આર્થિક પ્રશ્નો અંગે મજબૂત રજૂઆતો કરી હતી.
વર્ષ ૧૯૩૪થી ૧૯૩૯ દરમિયાન તેઓ કેન્દ્રીય ધારાસભામાં કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા રહ્યા હતા, તેઓ કોંગ્રેસ કાર્યકારી સમિતિ ના સભ્ય પણ બન્યા હતા, તેમની રાજકીય કાર્યશૈલી માં કાનૂની તર્ક, સંસદીય ચર્ચા અને રાષ્ટ્રહિત ના મુદ્દા ઓને વિશેષ સ્થાન મળતું હતું.
વર્ષ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટિશ સરકારે ભારતના લોકો અને ભારતીય સૈન્યને ભારતીયો ની સંમતિ વિના યુદ્ધમાં સામેલ કર્યા હતા.કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ૧૯ નવેમ્બર, ૧૯૪૦ ના રોજ ભુલાભાઈ દેસાઈએ કેન્દ્રીય ધારાસભા માં ભારત ની સંમતિ વિના યુદ્ધ માં જોડવાના બ્રિટિશ નિર્ણય સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો , તેમનો મુખ્ય તર્ક હતો કે ભારત ની સંમતિ વિના ભારત ના સંસાધનો અને સૈનિકોનો ઉપયોગ કરવો યોગ્ય નથી, મહાત્મા ગાંધીના વ્યક્તિગત સત્યાગ્રહ માં પણ તેમણે ભાગ લીધો હતો, ૧૦ ડિસેમ્બર, ૧૯૪૦ ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને યરવડા સેન્ટ્રલ જેલ માં મોકલવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બર ૧૯૪૧માં તબિયત ખરાબ હોવાને કારણે તેમને જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
જોકે દેશની આઝાદી જોવા માટે ભુલાભાઈ દેસાઈ જીવિત રહી શક્યા નહોતા, આઝાદ હિંદ ફોજના કેસ દરમિયાન તેમની તબિયત વધુ બગડી હતી. સતત મહેનત અને લાંબા સમય ની બીમારી ને કારણે તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. ૬ મે, ૧૯૪૬ ના રોજ મુંબઈ માં ૬૮ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું, તેમના અવસાન ના સમાચાર થી દેશના રાજકીય અને કાનૂની ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ હતી.
જવાહરલાલ નહેરુ એ તેમના અવસાન અંગે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આઝાદ હિદ ફોજના કેસમાં તેમણે આપેલું ઐતિહાસિક ભાષણ તેમની શ્રેષ્ઠ સ્મૃતિ બની રહેશે.
નહેરુના આ નિવેદનથી ભુલાભાઈના યોગદાનનું મહત્ત્વ સમજાય છે. ભુલાભાઈ દેસાઈ ના નામ ને આજે પણ ભારત ના સ્વાતંત્ર્ય સંગ્રામ ના ઇતિહાસ માં સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે.
આજે ૧૩મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ તેમની ૧૪૯ મી જન્મ જયંતિ વેળા એ ભાવભરી શ્રદ્ધાંજલી સાથે શત શત નમન...??
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
