<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ભિલાડ દારૂ કેસ : ₹38 લાખના દારૂ સાથે ઝડપાયેલા બુટલેગર મિહિર ચૌહાણની જામીન અરજી વાપી કોર્ટે ફગાવી

સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ ડૉ. એચ. એન. વકીલે આરોપીને જેલમુક્ત કરવાનો ઈનકાર કર્યો : ગોવાથી દારૂ ભરાવી આપનાર વડોદરાનો જાવેદ મેમણ હજુ પણ વોન્ટેડ

 વાપી:  વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ મથક વિસ્તારમાં ₹38 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી મિહિર જોરાવરસિંહ ચૌહાણની નિયમિત જામીન અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ગુનાની ગંભીરતા અને દારૂના વિશાળ જથ્થાને ધ્યાને રાખી આરોપીને જામીન આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.

 ઘટનાની પૃષ્ઠભૂમિ:

આ સમગ્ર મામલો 19 એપ્રિલ, 2026ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. વલસાડ LCBની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક આઈશર ટેમ્પો (GJ-23-AW-8248)માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ઉમરગામના વલવાડા પાસે નેશનલ હાઈવે નંબર 48 પર નાકાબંધી કરી ટેમ્પોને અટકાવ્યો હતો.

તપાસ દરમિયાન ટેમ્પોમાંથી ₹38,07,504/-ની કિંમતની વિદેશી દારૂની કુલ 19,728 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ₹15 લાખનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ ₹53,13,504/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 પાયલોટિંગ કરનાર બુટલેગર વોન્ટેડ:

પકડાયેલા આરોપી મિહિર ચૌહાણ (રહે. આણંદ)ની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ દારૂનો જથ્થો વડોદરાના જાવેદ મેમણે ગોવાથી ભરાવી આપ્યો હતો. આ ફેરા માટે આરોપીને ₹1.30 લાખ આપવાનું નક્કી થયું હતું. જાવેદ મેમણ સફેદ i10 કારમાં ટેમ્પોનું પાયલોટિંગ કરી રહ્યો હતો, જે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

 કોર્ટની કાર્યવાહી:

જેલવાસ ભોગવી રહેલા મિહિર ચૌહાણે જેલમુક્ત થવા માટે વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જોરદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, આ ગુનો અત્યંત ગંભીર છે અને તેમાં આંતરરાજ્ય કક્ષાએ મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, તેથી આરોપીને જામીન ન મળવા જોઈએ.

એડિશનલ સેશન્સ જજ ડૉ. એચ. એન. વકીલે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને બંને પક્ષોને સાંભળ્યા બાદ આરોપી મિહિર ચૌહાણની જામીન અરજી ફગાવી દેવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(10:07 AM IST)