<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ચૂંટણી જંગ માટે ભરૂચ સજ્જ: ઉમેદવારીનો ધમધમાટ પૂર્ણ

જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની બેઠકો માટે ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ, કુલ સેંકડો ફોર્મ ભરાતા હવે ખરાખરીનો જંગ જામશે, રાજકીય પક્ષોમાં જોરદાર ખેંચતાણ

ભરૂચ : ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. જિલ્લાની ચાર નગરપાલિકાઓની કુલ બેઠકો માટે ઉમેદવારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. જેમાં ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે સૌથી વધુ 137 ફોર્મ ભરાયા છે, જ્યારે અંકલેશ્વરમાં 107 અને જંબુસરમાં 100 ફોર્મ સાથે રસાકસીભરી સ્થિતિ સર્જાઈ છે. આમોદમાં પણ 24 બેઠકો સામે 75 મુરતિયાઓએ દાવેદારી નોંધાવતા હવે આગામી દિવસોમાં પ્રચારના મેદાનમાં જંગ તેજ બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચ જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠાભરી 34 બેઠકો માટે 151 ફોર્મ ભરાયા છે, જે દર્શાવે છે કે દરેક બેઠક પર મજબૂત ફાઈટ જોવા મળશે. ગ્રામીણ સ્તરે સત્તાના વિકેન્દ્રીકરણ માટે મહત્વની ગણાતી 9 તાલુકા પંચાયતોની 182 બેઠકો માટે કુલ 627 ફોર્મ ભરાતા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. ખાસ કરીને ઝઘડિયા અને ભરૂચ તાલુકા પંચાયતોમાં ઉમેદવારોની સંખ્યા ઊંચી રહેતા અહીં ત્રિપાંખિયો કે બહુપાંખિયો જંગ ખેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને નામ ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વાગરા, વાલિયા, હાંસોટ અને નેત્રંગ જેવા તાલુકાઓમાં પણ સ્થાનીક પ્રશ્નોને લઈને ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી પંચ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના કડક આયોજન વચ્ચે હવે રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે એડીચોટીનું જોર લગાવશે. ભરૂચ જિલ્લાના મતદારો કોના શિરે વિજયનો તાજ પહેરાવશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો આંકડાકીય વિગતોએ ચૂંટણીના માહોલને ગરમાવી દીધો છે.

(12:30 AM IST)