તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
ભક્તિ અને ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગાયું કલ્ચરલનું આંગણું : સાતમા નોરતે નિશા ઉપાધ્યાય કાપડિયાના સુમધુર કંઠે ગરબાની રમઝટ
ઉચ્ચ શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ અને યુનિવર્સિટીઓના કુલપતિઓએ માણ્યો કલ્ચરલના ગરબાનો આનંદ:કોલમ્બિયાથી આવેલા વિદેશી મહેમાનો ગુજરાતી પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમ્યા : દિવ્યાંગ દીકરીઓ માટે મુખ્ય ગ્રાઉન્ડમાં વ્યવસ્થા સાથે સમરસતાનો સંદેશ

ગાંધીનગર:ગાંધીનગર કલ્ચરલ ફોરમના પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે માતાજીની ભક્તિ, શ્રદ્ધા અને ખેલૈયાઓનો ઉત્સાહ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. મોડી રાત સુધી રાસ-ગરબાની રમઝટ અને મધરાત બાદ મંડળી ગરબાના તાલે ખેલૈયાઓએ ઉત્સવની રંગતને પરોઢ સુધી જીવંત રાખી હતી. ગુજરાતી સુગમ સંગીતનાં સુપ્રસિદ્ધ ગાયિકા નિશા ઉપાધ્યાય કાપડિયાએ પોતાના સુમધુર કંઠ અને ઊર્જાસભર ગાયકીથી કલ્ચરલના ગરબામાં ધૂમ મચાવી હતી. તેમના લોકપ્રિય ગરબાના સૂર અને તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ ખેલૈયાઓની રંગત, સંગીતની મધુરતા અને માતાજીની આરાધનાના ભક્તિમય વાતાવરણે સાતમા નોરતાને યાદગાર બનાવ્યો હતો.
સાતમા નોરતે ઉચ્ચ શિક્ષણ અને શૈક્ષણિક જગતના મહાનુભાવોની ઉપસ્થિતિએ પણ કલ્ચરલના ગરબાની શોભા વધારી હતી. ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનર શ્રી દિલીપ રાણા પરિવાર સાથે ગરબા માણવા પધાર્યા હતા. તેમણે કલ્ચરલ ફોરમ દ્વારા પરંપરાગત ગરબાની ગરિમા જાળવી રાખવા માટે કરવામાં આવતા આયોજનની પ્રશંસા કરી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. અમીબેન ઉપાધ્યાય પણ પરિવાર સાથે પધાર્યાં હતાં. તેમણે કલાકો સુધી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને નવરાત્રીના ઉત્સવનો આનંદ માણ્યો હતો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોશીએ પણ કલ્ચરલના ગરબાની મુલાકાત લઈને આ ભાતીગળ સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કર્યો હતો.
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીની વિશેષતા માત્ર ભવ્ય આયોજન કે પરંપરાગત ગરબા પૂરતી સીમિત નથી, પરંતુ દરેક વ્યક્તિ ઉત્સવમાં સહજતાથી સહભાગી બની શકે તેવા સંવેદનશીલ અભિગમમાં પણ સમાયેલી છે. સાતમા નોરતે અમદાવાદથી પધારેલી દિવ્યાંગ દીકરીઓ આશા ચાવડા અને નીતા પટેલે વ્હીલચેરમાં બેઠાં બેઠાં ગરબે ઘૂમીને નવરાત્રીના આનંદમાં સહભાગી બની હતી. અન્ય દીકરીઓ અને યુવાનોની જેમ દિવ્યાંગ દીકરીઓ પણ સમાન મોકળાશ અને આનંદથી ગરબા રમી શકે તેવા ઉમદા આશયથી મુખ્ય ગરબા ગ્રાઉન્ડમાં માતાજીની માંડવડી સમક્ષ તેમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને કારણે બંને દીકરીઓને મુખ્ય ગ્રાઉન્ડમાં જ રહીને ગરબે રમવાનો અને ઉત્સવનો આનંદ માણવાનો અવસર મળ્યો હતો. દિવ્યાંગજનોના સહભાગિતાના અધિકાર અને સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત રાણીપ દિવ્યાંગ એકતા સમિતિ આવા સેવાકાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. કલ્ચરલના ગરબામાં આ પહેલે સંવેદનશીલતા, સમાન તક અને સહભાગિતાનો સુંદર સંદેશ આપ્યો હતો.
સાતમા નોરતે કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલના ગ્રુપ લીગલ હેડ સુનિલ મિત્તલ અને તેમના પરિવારજનોએ માતાજીની આરતી ઉતારી હતી. માતાજીની આરાધના સાથે શરૂ થયેલી ગરબાની ઉજવણીમાં તેમની સહભાગિતાએ ભક્તિભાવમાં ઉમેરો કર્યો હતો. આ ઉપરાંત ભારત સરકારની સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના ડાયરેક્ટર શ્રી બુધવીરસિંહજી પણ પરિવાર સાથે કલ્ચરલના ગરબા માણવા પધાર્યા હતા.
કલ્ચરલના ગરબાની વૈશ્વિક ઓળખ અને ગુજરાતી લોકસંસ્કૃતિના આકર્ષણની પ્રતીતિ કરાવતો એક વિશેષ પ્રસંગ પણ સાતમા નોરતે જોવા મળ્યો હતો. કોલમ્બિયાથી પધારેલા વિદેશી મહેમાનો ગુજરાતી પરંપરાગત ગરબા અને રંગબેરંગી લોકસંસ્કૃતિને નિહાળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલા ક્વૉલિટી એન્જિનિયર્સ લુઈસ માઈગેલ, લુઈસ કાર્લોસ અને તાત્યાનાએ ગુજરાતી પરંપરાગત પોશાક ધારણ કરીને ગરબે રમવાનો અનોખો આનંદ માણ્યો હતો. ભારતીય લોકસંસ્કૃતિના આ ઉત્સવમાં વિદેશી મહેમાનોની ઉત્સાહભરી સહભાગિતાએ સાંસ્કૃતિક આદાનપ્રદાનની સુંદર અનુભૂતિ કરાવી હતી. ભાષા અને દેશની સરહદોથી પર રહીને સંગીતના તાલે એકસાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓએ ગુજરાતી સંસ્કૃતિની વૈશ્વિક શક્તિનો પરિચય કરાવ્યો હતો.
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીની વિશિષ્ટ ઓળખ તેની ત્રણ દાયકાથી વધુ સમયની પરંપરા, માતાજીની આરાધના અને ગુજરાતી લોકસંસ્કૃતિના સંવર્ધન માટેની પ્રતિબદ્ધતામાં રહેલી છે. અહીં મોડી રાત સુધી પરંપરાગત રાસ-ગરબાની રંગત જામે છે અને મધરાત બાદ મંડળી ગરબાની આગવી શૈલી ખેલૈયાઓને પરોઢ સુધી જોડાયેલા રાખે છે. સાતમા નોરતે સુપ્રસિદ્ધ ગાયિકા નિશા ઉપાધ્યાય કાપડિયાની ગાયકી, શૈક્ષણિક જગતના મહાનુભાવોની ઉપસ્થિતિ, દિવ્યાંગ દીકરીઓ માટેની વિશેષ વ્યવસ્થા અને વિદેશી મહેમાનોની સહભાગિતાએ આ ઉત્સવને અનેકવિધ રંગોથી સમૃદ્ધ બનાવ્યો હતો.
આમ, ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીના સાતમા નોરતે ભક્તિ, સંગીત, સામાજિક સમરસતા અને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક આદાનપ્રદાનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. માતાજીની આરાધનાથી પ્રેરિત આ મહોત્સવ દરેક વયના, દરેક વર્ગના અને વિવિધ દેશોમાંથી આવેલા લોકોને એક જ આંગણે જોડે છે. પરંપરાને જાળવવાની સાથે સૌને સમાન રીતે ઉત્સવમાં સહભાગી થવાની તક આપતી કલ્ચરલ ફોરમની આ પહેલ ગુજરાતી સંસ્કૃતિની ઉદારતા, આત્મીયતા અને સહઅસ્તિત્વની ભાવનાને ઉજાગર કરે છે. સાતમા નોરતાની આ રંગત સાથે કલ્ચરલના ગરબાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગરબો માત્ર નૃત્ય નથી, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને માનવીય સંવેદનાઓને એકસૂત્રે બાંધતો જીવંત ઉત્સવ છે
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
