તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
અંબાજીમાં ૨૦ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ : રાજ્ય સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડના સંકલનથી વ્યાપક સુવિધાઓ ઊભી કરાઈ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં તંત્ર સજ્જ : રેસ્ટ શેલ્ટર, ફ્રી ફૂડ, વોટર પેગોડા, સીસીટીવી અને પાર્કિંગની ભવ્ય વ્યવસ્થા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે તા. ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને રાજ્ય સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. દેશ-વિદેશથી આવતા લાખો માઈભક્તોની સુવિધા, સલામતી, સ્વચ્છતા અને સરળ અવરજવરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર સેવાયજ્ઞમાં જોડાઈ ગયું છે.
રેસ્ટ શેલ્ટર અને ફ્રી ફૂડની વ્યવસ્થા:
મેળામાં આવતા યાત્રાળુઓ માટે ૧૨,૩૦૦ ચો.મી. વિસ્તારમાં રેસ્ટ શેલ્ટર તૈયાર કરાયા છે. હડાદ રૂટ પર ૫ શેલ્ટરમાં ૨,૭૭૬ શ્રદ્ધાળુઓ માટે સિંગલ, બંક અને ૬૦૦ ફ્લોર બેડની સુવિધા છે, જ્યારે દાંતા રૂટ પર ૨ શેલ્ટરમાં ૧,૧૪૦ લોકો માટે વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત, ૨,૧૯૦ ચો.મી. ક્ષેત્રફળમાં ફ્રી ફૂડ શેલ્ટર ઊભા કરાયા છે, જેમાં દાંતા રૂટ પર ૨,૫૦૦ અને ગબ્બર રૂટ પર ૫૦૦ લોકો ભોજન લઈ શકશે. પીવાના પાણી માટે હાઇવે અને યાત્રાધામ માર્ગો પર ૩૦ વોટર પેગોડા (હડાદ રૂટ પર ૧૩, દાંતા રૂટ પર ૧૩ અને ગબ્બર રૂટ પર ૪) બનાવવામાં આવ્યા છે.
સ્વચ્છતા અને પાર્કિંગ માળખું:
યાત્રાળુઓની સુવિધા અર્થે કુલ ૩૩ ટોયલેટ બ્લોક ઉપલબ્ધ કરાવાયા છે. જેમાં રેસ્ટ શેલ્ટર ખાતે ૮ બ્લોક (૮૦ બાથ, ૮૦ WC, ૨૪ યુરિનલ, ૩૨ હેન્ડવોશ યુનિટ), હાઇવે પર ૧૪ અને પાર્કિંગ વિસ્તારોમાં ૧૧ ટોયલેટ બ્લોકનો સમાવેશ થાય છે. વાહન વ્યવસ્થાપન માટે ૨,૬૭,૨૬૫ ચો.મી. વિસ્તારમાં પાર્કિંગ આયોજિત કરાયું છે, જેમાં હડાદ રૂટ પર ૧૭ અને દાંતા રૂટ પર ૨૧ પાર્કિંગ સ્પોટ તૈયાર કરાયા છે.
આરોગ્ય, સુરક્ષા અને માર્ગદર્શન:
તાત્કાલિક તબીબી સહાય માટે ૬ ફર્સ્ટ એઇડ કાઉન્ટર અને ૧૦ મેડિકલ/લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર કાર્યાન્વિત કરાયા છે. સુરક્ષા માટે ૧૨૫ ફાયર એક્સ્ટિંગ્વિશર, સીસીટીવી કૅમેરા, મલ્ટિપલ મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ અને ૪,૦૦૦ ચો.મી. વિસ્તારમાં સાઇનેજ-હોર્ડિંગ્સ મૂકાયા છે. ભક્તોને આવકારવા ૬ વેલકમ આર્ચ, બેરિકેડિંગ અને રેડ કાર્પેટ પથરાયા છે. આ સાથે સ્થાનિક કારીગરો અને વેપારીઓને રોજગારી મળે તે માટે ૧,૩૦૦ ચો.મી. વિસ્તારમાં ૨૧૬ ક્રાફ્ટ સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
