News of Friday, 25th September 2026
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો : લાખો ભકતો ઉમટયા
સરકાર દ્વારા આરામના આશ્રય સ્થાનો, પાણી શૌચાલય, સલામતીની વ્યવસ્થા : હજારો ધ્વજારોહણ

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભારદવી પૂનમના મેળા નિમિત્તે યોજાયેલ ઉચ્ચ કક્ષાની બેઠકમાં પ્રવાસન સચિવ કુલદીપ આર્ય, કલેકટર મિહિર પટેલ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા વગેરે ઉપસ્થિત હતા.
રાજકોટ,તા. રપ : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી (બનાસકાંઠા)માં ભાદરવી પૂનમ મહામેળો યોજાયેલ છે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વિવિધ સુવિધા, સલામતી, સ્વચ્છતા અને સરળ અવરજવરને કેન્દ્રમાં રાખીને વિશાળ પાયે કામચલાઉ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતળત્વ હેઠળ સમગ્ર તંત્ર અંબાજી ખાતે ઉમટી રહેલા માઈભક્તોની સેવામાં સજ્જ છે. ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને મહામેળા દરમિયાન યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ મળી રહે; તે માટે રેસ્ટ શેલ્ટર, ર્પાકિંગ, શૌચાલય, પીવાનું પાણી, આરોગ્ય સેવા, સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી, મોબાઇલ ર્ચાજિંગ અને ફ્રી ફૂડ શેલ્ટર સહિતની વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
મેળાના સુચારૂ આયોજન માટે સચિવ(પ્રવાસન) કુલદિપ આર્યા દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે સ્થાનિક સ્તરે સમિક્ષા બેઠક પણ કરી. જેમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેલ હતા.
ભક્તો માટે ફ્રી ફૂડ શેલ્ટર
અને ૩૦ વોટર પેગોડા
અંબાજી મેળા દરમિયાન યાત્રાળુઓ માટે કુલ આશરે ૨,૧૯૦ ચો.મી. વિસ્તારમાં ફ્રી ફૂડ શેલ્ટર ભા કરવામાં આવ્યા છે. દાંતા રૂટ પર ૨૦૦૦ થી ૨૫૦૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો, જ્યારે ગબ્બર રૂટ પર આશરે ૫૦૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો ફ્રી ફૂડ શેલ્ટર ઉપલબ્ધ છે. પીવાના પાણી માટે મુખ્ય હાઇવે અને યાત્રામાર્ગો પર કુલ ૩૦ વોટર પેગોડા બનાવવાયા છે. તેમાં હડાદ રૂટ પર ૧૩, દાંતા રૂટ પર ૧૩ અને ગબ્બર રૂટ પર ૪ પેગોડાનો સમાવેશ થાય છે.
સ્વચ્છતા માટે
૩૩ ટોયલેટ બ્લોક
લાખો યાત્રાળુઓની અવરજવરને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા વ્યવસ્થા પણ સુદૃઢ કરવામાં આવી છે. રેસ્ટ શેલ્ટર ખાતે ૮ ટોયલેટ બ્લોક બનાવાયા છે., આ ઉપરાંત હાઇવે પર ૧૪ ટોયલેટ બ્લોક અને મોટા પાકિર્ંગ વિસ્તારોમાં ૧૧ ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરાઈ છે. આમ કુલ ૩૩ ટોયલેટ બ્લોક યાત્રાળુઓ માટે ઉપલબ્ધ છે.
૨,૬૭,૦૦૦ ચો.મી.
વિસ્તારમાં પાકિર્ંગ
મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં વાહનો અંબાજી પહોંચી રહ્યા છે. તેથી વાહન વ્યવસ્થાપન માટે કુલ વિશાળ વિસ્તારમાં ર્પાકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે
૨૧૬ ક્રાફ્ટ સ્ટોલથી સ્થાનિક કારીગરો અને વેપારીઓને તક
સ્થાનિક કારીગરો અને વેપારીઓને વ્યવસાયિક તકો મળી રહે તે માટે મેળા વિસ્તારમાં આશરે ૧૩૦૦ ચો.મી. વિસ્તારમાં ક્રાફ્ટ સ્ટોલ્સ ઉભા કરાયા છે. તેમાં આશરે ૨૧૬ સ્ટોલ્સનો સમાવેશ થાય છે.
મેળામાં અત્યાર સુધીમાં અંદાજે ૨૫ લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના આશિર્વાદ મેળવ્યા છે. માતાજીના મંદિર પર ૨૦૦૦ થી વધુ ધ્વજાઓનું ધ્વજારોહણ કરવામાં આવેલ છે. મેળામાં ઉભા કરવામાં આવેલ રેસ્ટ શેલ્ટરમાં ૯૦,૦૦૦ થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
