તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
અમદાવાદમાં ભદ્રથી ત્રણ દરવાજા રોડ 4 દિવસ બંધ રહેશે: જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદમાં હેરિટેજ વીક અને ભદ્ર ફેસ્ટિવલ નિમિત્તે 17 થી 20 નવેમ્બર સુધી ભદ્ર પરિસરના રસ્તા બંધ

ઐતિહાસિક નગરી અમદાવાદના ભવ્ય વારસાને ઉજાગર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી 19 થી 25 નવેમ્બર દરમિયાન 'હેરિટેજ વીક'ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ સપ્તાહ અંતર્ગત 19 નવેમ્બરના રોજ ઐતિહાસિક ભદ્ર કિલ્લા પાસે 'ભદ્ર ફેસ્ટિવલ' યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, 17 નવેમ્બરથી લઈને 20 નવેમ્બર સુધી કુલ ચાર દિવસ માટે ભદ્ર પરિસર અને તેની આસપાસના મુખ્ય રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાગરિકોને ઓછામાં ઓછી અગવડ પડે તે માટે આ સમગ્ર ટ્રાફિક ડાયવર્ઝનને બે તબક્કામાં વહેંચવામાં આવ્યું છે.
પ્રથમ તબક્કો: 17 નવેમ્બર (મધરાત) થી 18 નવેમ્બર (મધરાત) સુધી ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રથમ બે દિવસ ભદ્ર પરિસરની અંદરના વિસ્તારોમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
પ્રતિબંધિત માર્ગો
સમગ્ર ભદ્ર પરિસરના તમામ પ્રવેશદ્વાર વાહનો માટે બંધ રહેશે.
ભદ્ર મંદિરથી લઈને ત્રણ દરવાજા સુધીનો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે.
વૈકલ્પિક રૂટ
માણેકચોક તરફ જવા માટે: એલિસબ્રિજ તરફથી આવતા વાહનચાલકો ખમાસા ચાર રસ્તા થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અને ત્યાંથી આગળ માણેકચોક તરફ જઈ શકશે.
કાલુપુર તરફ જવા માટે: નેહરુ બ્રિજ પરથી આવતા વાહનો સીદી સૈયદની જાળી થઈ રિલીફ રોડ પરથી સીધા કાલુપુર તરફ જઈ શકશે.
કોર્ટ અને પંચાયત તરફ જવા માટે: નેહરુ બ્રિજથી સીદી સૈયદની જાળી થઈ જિલ્લા પંચાયત, સેશન્સ કોર્ટ અને વિક્ટોરિયા ગાર્ડન તરફ અવરજવર કરી શકાશે.
ભઠિયારગલી તરફ જવા માટે: વીજળીઘરથી ભઠિયારગલી તરફ જવા માંગતા વાહનો કારંજ પોલીસ સ્ટેશનની પાછળના રસ્તાનો ઉપયોગ કરી શકશે.
બીજો તબક્કો: 19 નવેમ્બર (મધરાત) થી 20 નવેમ્બર (સવારે 10 વાગ્યા) સુધી ભદ્ર ફેસ્ટિવલના મુખ્ય દિવસે સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે પ્રતિબંધોનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ભદ્ર પરિસર ઉપરાંત આસપાસના અન્ય જોડાણ માર્ગો પણ બંધ રહેશે.
પ્રતિબંધિત માર્ગો
- ભદ્ર મંદિરથી ત્રણ દરવાજા સુધીનો માર્ગ બંધ રહેશે.
- વિક્ટોરિયા ગાર્ડનથી આઈ.પી. મિશન થઈ ભદ્ર તરફ જતો રસ્તો બંધ રહેશે.
- વીજળીઘરથી ભદ્ર મંદિર તરફ જતો માર્ગ વાહનો માટે બંધ રહેશે.
- જિલ્લા પંચાયતથી બહુચર માતાજીના મંદિર થઈ ભદ્ર તરફ આવતો રસ્તો બંધ રહેશે.
- પાનકોર નાકા ચાર રસ્તાથી ત્રણ દરવાજા તરફ જતો માર્ગ બંધ રહેશે.
- રિલીફ ચાર રસ્તાથી ભદ્ર તરફ આવતો રસ્તો પણ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.
વૈકલ્પિક રૂટ
માણેકચોક તરફ: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસવાળા માર્ગ પરથી માણેકચોક તરફ જઈ શકાશે.
કાલુપુર તરફ: નેહરુ બ્રિજથી સીદી સૈયદની જાળી થઈ રિલીફ રોડ મારફતે કાલુપુર તરફ અવરજવર ચાલુ રહેશે.
જિલ્લા પંચાયત અને વિક્ટોરિયા ગાર્ડન તરફ: નેહરુ બ્રિજથી સીદી સૈયદની જાળી થઈ જિલ્લા પંચાયત, સેશન્સ કોર્ટ તથા વિક્ટોરિયા ગાર્ડન તરફ જઈ શકાશે.
ખાડિયા અને માણેકચોક તરફ: ઘી-કાંટા ચાર રસ્તાથી પાનકોર નાકા ચાર રસ્તા થઈ માણેકચોક તથા ખાડિયા વિસ્તાર તરફ જઈ શકાશે.
આગામી ચાર દિવસ દરમિયાન જૂના અમદાવાદના કોટ વિસ્તાર, રિલીફ રોડ, કાલુપુર કે માણેકચોક તરફ ખરીદી કે કામકાજ અર્થે જવાનું થાય, તો ટ્રાફિક જામમાં ફસાવાથી બચવા માટે ઘરેથી નીકળતા પહેલા પોલીસ દ્વારા જાહેર કરાયેલા આ વૈકલ્પિક રૂટ મુજબ જ મુસાફરી કરવાનું આયોજન કરવું હિતાવહ રહેશે.
(નોંધ: આ પ્રતિબંધોમાંથી ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનોને મુક્તિ આપવામાં આવતી હોય છે).
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
