તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
ગરબાના નામે છેતરપિંડી કરનારા સાવધાન: નકલી પાસ વહેંચનારાઓ સામે સીધી નોંધાશે FIR, 14,000 પોલીસકર્મીઓ રહેશે તહેનાત
અમદાવાદ પોલીસ કમિશનરની ગરબા આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક; મહિલાઓની સુરક્ષા માટે ૩૦૦ શી-ટીમ અને AI કેમેરાથી રખાશે કડક નજર

અમદાવાદ : નવરાત્રિ મહોત્સવના વિધિવત્ પ્રારંભ પૂર્વે અમદાવાદ શહેર પોલીસે ખેલૈયાઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે કમર કસી લીધી છે. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ગરબા આયોજકો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ નકલી ગરબા પાસ છાપશે, વેચશે કે સોશિયલ મીડિયા પર ફેક પાસ ફરતા કરશે તો તેમની સામે તાત્કાલિક અસરથી એફઆઈઆર (FIR) નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આશરે ૧૪,૦૦૦ પોલીસકર્મીઓ અને સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે. ગરબા રમીને મોડી રાત્રે ઘરે પરત ફરતા ખેલૈયાઓ અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરના રેન્કના ૩૦૦થી વધુ ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે ૩ વાગ્યા સુધી રસ્તા પર પેટ્રોલિંગમાં હાજર રહેશે. આ ઉપરાંત, આયોજકો મંજૂરી મેળવતી વખતે દર્શાવેલી ક્ષમતા કરતાં વધુ પાસ ઇશ્યૂ કરી શકશે નહીં. ભીડ પર નજર રાખવા AI-આધારિત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરાશે અને ક્ષમતાથી વધુ ભીડ જણાતાં જ ગરબા થોડી મિનિટો માટે રોકાવી દેવાશે.
મહિલાઓની સુરક્ષા અને તેમની સાથે થતી પજવણી રોકવા માટે શહેરભરમાં અને ગરબા સ્થળોએ ૩૦૦ 'શી-ટીમ' (She-Team) યુનિફોર્મ તેમજ સાદા વસ્ત્રોમાં તહેનાત રહેશે. આ ટીમો જાગૃતિ ફેલાવવા ગરબાનું આયોજન કરતી શાળાઓ અને કોલેજોની પણ મુલાકાત લેશે. શહેરના આશરે ૪,૦૦૦ સીસીટીવી કેમેરા સીધા પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ વાહનો સાથે અન્ય ૪૯ શી-ટીમ પેટ્રોલિંગ કરશે, જ્યારે કટોકટીના સમય માટે દરેક પોલીસ સ્ટેશનને 'અભયમ' ૧૮૧ વાહન અને ૧૨૯ પીસીઆર વાન સતત ડ્યુટી પર ફાળવવામાં આવી છે.
પોલીસ કમિશનરે ખેલૈયાઓને પોતાના વાહનો પૂરતો પ્રકાશ હોય તેવી સુરક્ષિત જગ્યાએ જ પાર્ક કરવા અને નિર્જન સ્થળોથી દૂર રહેવાની ખાસ સલાહ આપી છે. આ ઉપરાંત, તહેવાર દરમિયાન કોમી સૌહાર્દ બગાડી શકે તેવી વાંધાજનક, અપમાનજનક કે ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર સાયબર ક્રાઈમ સેલ ચોવીસે કલાક સખત નજર રાખશે. સોશિયલ મીડિયા પર નફરત ફેલાવનારાઓ કે અફવાઓ અટકાવનારાઓ સામે બિનાશરતી કડક કાર્યવાહી કરવાની પોલીસ કમિશનરે આકરી ચેતવણી આપી છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
