News of Wednesday, 4th November 2026
૧૧.૯૭ લાખની રકમનો વિશ્વાસઘાત, એ યુવતી અઘટીત પગલુ ભરે તે પહેલા પોલીસ દેવદૂત બની
સુરતના ડીસીપી રાજેશ પરમારના માર્ગદર્શનમાં પીઆઇ કે.ડી. જાડેજા, પીએસઆઇ બારોટ અને પીએસઆઇ વસાવા ટીમની કાબીલેદાદ કામગીરી : આરોપી ભાવનગર હોવાનું રટણ કરેલ, પણ તેને જાણ ન હતી કે પોલીશે સાચું લોકેશન શોઘી લીધું છે

રાજકોટ, તા. ૪: સુરતના પાંડેસરામાં ગોલ્ડ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી ૨૮ વર્ષીય મહિલા કર્મચારી સાથે ૧૧.૯૭ લાખની રકમનો વિશ્વાસઘાત થયો હતો. લેબર કોન્ટ્રાક્ટરની જૂની ગોલ્ડ લોન ભરવા માટે તેણે ભરોસામાં રહીને ૧૧.૯૭ લાખ રૂપિયા ભરી દીધા હતા અને યુવક ‘૨૦ મિનિટમાં આવું છું' કહીને ભાગી છૂટયો હતો. રકમ ભરવાની જવાબદારી પોતાના માથે આવતા યુવતી અઘટિત પગલું ભરે તે પહેલા પોલીસ દેવદૂત બનીને પહોંચી હતી અને ૫ કલાકમાં જ પૂરી રકમ પરત અપાવી હતી.કેવી રીતે થયો વિશ્વાસઘાત.
પાંડેસરા પિયુષ પોઇન્ટ ખાતેની ગોલ્ડ ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવતી યુવતી અને અન્ય એક કર્મચારી લેબર કોન્ટ્રાક્ટર સાથે બેંકની બહાર ઉભા હતા. લેબર કોન્ટ્રાક્ટર બેંકમાં ગયો હતો અને સોનુ છોડાવવા ૧૧.૯૭ લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં વ્યાજદર વધારે લાગતા તેણે લોન ચાલુ રાખી હતી અને ટ્રાન્સફર કરેલી રકમ ખાતામાં પરત મેળવી લીધી હતી. બહાર આવીને તેણે બંને કર્મચારીને ૨૦ મિનિટમાં આવવાનું કહીને છટકી ગયો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો. યુવતી અઘટિત પગલા સુધી પહોંચી.
૧૧.૯૭ લાખ રૂપિયા ભરવાની જવાબદારી પોતાના માથે આવતા મહિલા કર્મચારી માનસિક રીતે ભાંગી પડી હતી. નોકરી જવાના ડર અને રકમ ભરવાની ચિંતામાં તેણે આપઘાત સુધીના વિચારો કર્યા હતા. સમયસર તેણે પાંડેસરા પોલીસનો સંપર્ક કરતા મોટી દુર્ઘટના ટળી હતી.પોલીસ બની દેવદૂત.
ઘટનાની જાણ થતા ડીસીપી રાજેશ પરમારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પીઆઈ કે. ડી. જાડેજા, પીએસઆઈ બારોટ અને પીએસઆઈ વસાવાની ટીમે તપાસ શરૂ કરી હતી. આરોપી ફોન પર પોતે ભાવનગર હોવાનું કહેતો હતો, પરંતુ તેનું લોકેશન ડિંડોલીનું ટ્રેસ થયું હતું. ખાનગી સીસીટીવી અને કોલ ડિટેઇલના આધારે પોલીસે તેને શોધી કાઢયો હતો. ૫ કલાકમાં રકમ પરત પોલીસે આરોપીને પકડીને ૧૧.૯૭ લાખની પૂરી રકમ પરત અપાવીને મહિલાને હસ્તે રકમ પરત અપાવી હતી. રકમ પરત મળતા જ યુવતીની નોકરી બચી ગઈ હતી અને તેના પરિવારે પોલીસનો આભાર માન્યો હતો
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
