તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
અરવલ્લી જિલ્લામાં નવા વર્ષની શરૂઆત સાથે જ બટાકાની વાવણીનો ધમધમાટ શરૂ
ઓછા વરસાદ વચ્ચે પણ ખેડૂતો ઉત્સાહભેર ખેતરોમાં કામે લાગ્યા:અરવલ્લી જિલ્લામાં દર વર્ષે 80 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે.

અરવલ્લી જિલ્લામાં નવા વર્ષની શરૂઆત સાથે જ બટાકાની વાવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઓછા વરસાદ વચ્ચે પણ ખેડૂતો ઉત્સાહભેર ખેતરોમાં કામે લાગ્યા છે અને સારા પાક તથા સારા ભાવની આશા સાથે નવી શરૂઆત કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં બટાકાની ખેતીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે, કારણ કે અહીં દર વર્ષે 80 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે.ખાસ કરીને, આ જિલ્લામાં પ્રોસેસિંગ બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ચિપ્સ અને અન્ય ખાદ્ય ચીજોના ઉત્પાદન માટે આ પ્રકારના બટાકાની બજારમાં હંમેશાં સારી માંગ રહે છે. આ જ કારણ છે કે ખેડૂતો આ પાકને વધુ પ્રાથમિકતા આપે છે. જો કે, ગત વર્ષે ખેડૂતો માટે સ્થિતિ થોડી મુશ્કેલ રહી હતી.
ગત વર્ષે બટાકાના પૂરતા ભાવ ન મળવાને કારણે ઉત્પાદન ખર્ચ સામે યોગ્ય વળતર ન મળ્યું, જેનાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.આ વર્ષે સ્થિતિ અલગ છે. એક તરફ ઓછા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાથી ખેડૂતો બટાકાના મબલખ ઉત્પાદનની આશા રાખી રહ્યા છે. બીજી તરફ, ગત વર્ષ જેવી ભાવની નિરાશા આ વર્ષે ન સર્જાય તેવી પ્રબળ અપેક્ષા પણ ખેડૂતો સેવી રહ્યા છે. 80 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આ ખેતી હજારો ખેડૂતો માટે આવકનું મુખ્ય અને મહત્વપૂર્ણ માધ્યમ છે.
હવે ખેડૂતોની તમામ નજર બજારભાવ પર મંડાયેલી છે. માત્ર મબલખ ઉત્પાદન જ નહીં, પરંતુ બજારમાં યોગ્ય ભાવ મળે તો જ ખેડૂતોની મહેનત સાચા અર્થમાં સફળ અને ફળદાયી સાબિત થશે. ખેડૂતોની આ મહેનત અને આશા આગામી દિવસોમાં અરવલ્લીના કૃષિ અર્થતંત્રને નવી દિશા આપશે તેવી પૂરી સંભાવના છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
