તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
અંબાજી મહામેળાના સમાપન પૂર્વે કલેક્ટર મિહિર પટેલ સહિત તંત્રના 500 અધિકારીઓએ ત્રિશૂલિયા ઘાટથી કરી પદયાત્રા
અંબાજી ભાદરવી પૂનમના મહામેળાના સમાપન પૂર્વે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં 500 અધિકારીઓએ ત્રિશૂલિયા ઘાટથી અંબાજી સુધી પદયાત્રા કરી મા અંબાના આશીર્વાદ લીધા.

ઉત્તર ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના સમાપન પૂર્વે એક ભાવુક અને શ્રદ્ધામય દ્રશ્ય જોવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં સમગ્ર બનાસકાંઠા વહીવટી તંત્રએ માં અંબાના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિશાળ પદયાત્રા યોજી હતી. મહામેળો હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ થવા તરફ છે ત્યારે રાત-દિવસ અવિરત સેવા આપનારા વિવિધ વિભાગોના આશરે ૫૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ પદયાત્રામાં પદયાત્રી બનીને જોડાયા હતા.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાથે દાંતા SDM, અમીરગઢ SDM, પાલનપુર SDM તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ત્રિશૂલિયા ઘાટથી અંબાજી મંદિર સુધી પગપાળા ચાલીને પહોંચ્યા હતા. આ પદયાત્રા દરમિયાન અધિકારીઓએ ત્રિશૂલિયા ઘાટના કઠિન વળાંકો વચ્ચે ચાલીને દૂર-દૂરથી આવતા લાખો શ્રદ્ધાળુઓની અથાક ભક્તિ અને શ્રમનો રૂબરૂ અનુભવ કર્યો હતો. કલેક્ટર સહિત સમગ્ર કાફલાએ અંબાજી પહોંચી મા અંબાના નિજ મંદિરે શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
લાખો માઇભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભાદરવી પૂનમનો આ મહામેળો અત્યંત શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુખરૂપ રીતે સંપન્ન થાય તેવા પવિત્ર આશય સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના રાત-દિવસના અથાક પરિશ્રમ અને સફળ આયોજન બદલ કલેક્ટર સહિતના તમામ અધિકારીઓએ જગતજનની અંબાના ચરણોમાં આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મા અંબાના આશીર્વાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લા, ગુજરાતની પ્રજા અને તંત્ર પર સદાય બન્યા રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
