તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ચકલાસી પાલિકામાં ભાજપના જ સભ્યો વચ્ચે ‘સંગ્રામ’: રિચાર્જ બોરના મુદ્દે પ્રમુખ પર લાગ્યા ‘નકલી ઠરાવ’ના ગંભીર આક્ષેપ, સત્તાધારી પક્ષમાં ભડકો!
“આ તો ઘર ઘરનો પ્રશ્ન છે” કહીને ચીફ ઓફિસરે મામલો દબાવ્યો હોવાનો કારોબારી ચેરમેનનો સનસનીખેજ દાવો; નગરપાલિકાના આંતરિક વિખવાદથી રાજકારણ ગરમાયું

ખેડા : ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલિકામાં સત્તાધારી ભાજપના સભ્યો વચ્ચેનો ગજગ્રાહ હવે ચકલે ચર્ચાઈ રહ્યો છે. વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવનાર રિચાર્જ બોરના લોકેશન બાબતે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન આમને-સામને આવી ગયા છે. આ વિવાદ એટલો વકર્યો છે કે હવે ‘નકલી ઠરાવ’ તૈયાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે મામલો ચીફ ઓફિસર સુધી પહોંચ્યો છે.
ઠરાવમાં છેડછાડનો ગંભીર આક્ષેપ
મળતી માહિતી મુજબ, નગરપાલિકાની બોર્ડ બેઠકમાં સર્વસંમતિથી શહેરના પાંચ અલગ-અલગ સ્થળોએ રિચાર્જ બોર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે મુજબ ઠરાવ પસાર થયો હતો. જોકે, કારોબારી સમિતિના ચેરમેન સુરેશ વાઘેલાએ બોમ્બ ફોડતા જણાવ્યું છે કે, પાલિકા પ્રમુખે સત્તાનો દુરુપયોગ કરીને મૂળ ઠરાવમાં પોતાની મરજી મુજબ ફેરફાર કરી નાખ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મૂળ સ્થળો બદલીને નવા સ્થળો ઉમેરી ‘નકલી ઠરાવ’ તૈયાર કરવામાં આવ્યો છે.
ચીફ ઓફિસરની ભૂમિકા પર સવાલ
આ ગેરરીતિ સામે આવતા સુરેશ વાઘેલાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલા ગંભીર આક્ષેપો છતાં ચીફ ઓફિસરે આ વિવાદને ગંભીરતાથી લેવાને બદલે તેને “ઘર ઘરનો પ્રશ્ન” ગણાવીને મામલો થાળે પાડવાનો કે દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કારોબારી ચેરમેને કર્યો છે. અધિકારીની આ શંકાસ્પદ ભૂમિકાને લઈને પણ હવે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
પાલિકામાં રાજકીય ગરમાવો
ચકલાસી નગરપાલિકામાં ભાજપના જ બે જૂથો વચ્ચે શરૂ થયેલી આ લડાઈને કારણે સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. શહેરના વિકાસ માટેના કામોમાં જ્યારે સત્તાધારી પક્ષના નેતાઓ જ એકબીજા પર વિશ્વાસઘાતના આક્ષેપો કરી રહ્યા હોય, ત્યારે જનતામાં પણ તંત્રની પારદર્શિતા સામે સવાલો ઉઠી રહ્યા છે. શું આ મામલે પક્ષના મોવડી મંડળ દ્વારા કોઈ હસ્તક્ષેપ કરવામાં આવશે કે પછી વિવાદ વધુ વકરશે તે જોવું રહ્યું.
હાલમાં તો આ ‘રિચાર્જ બોર’ વિવાદે ચકલાસીમાં રાજકીય ગરમીમાં વધારો કરી દીધો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
