<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાલને ઉગ્ર બનાવવા વકીલ મંડળોની બેઠકઃ કોર્ટ પાસે સુત્રોચ્‍ચાર-દેખાવો સહિતના કાર્યક્રમો

સરકારની ચિંતા વધીઃ આજે રાજકોટના વકીલો કોર્ટ-કાર્યવાહીથી અલિપ્ત રહ્યાઃ વકીલ હડતાલના કારણે રાજકોટ-અમદાવાદ, સુરત-વડોદરા સહિતની અદાલતોની કાર્યવાહી ઠપ્‍પ

અમદાવાદ તા. ૩ :.. રાજ્‍ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં આજે અમદાવાદ સહિત પી. રાજ્‍યભરની મોટાભાગની તમામ કોર્ટોમાં વકીલોની હડતાળ અને આંદોલનને વધુ ઉગ્ર સ્‍વરૂપ આપવા હવે બેઠકોનો દોર શરૂ થયો છે. વકીલમંડળો અને વકીલ આગેવાનો દ્વારા ન્‍યાયસંકુલના તમામ ગેટ પર શેતરંજી પાથરીને અડીંગો જમાવી  વિરોધ કરવા હાકલ કરાઈ છે. કોઈપણ ભોગે ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ પાછુ ખેંચાવવા વકીલઆલમ મક્કમ છે ત્‍યારે અમદાવાદ બાર એસોસિએશન અને સ્‍મોલ કોઝ કોર્ટસ બાર એસોસીએશન દ્વારા આજે  બપોરે જ્‍યારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‍સ એસોસિએશન દ્વારા સોમવારે આ મામલે બેઠક બોલાવાઈ છે. બીજીબાજુ, વકીલોની સજ્જડ હડતાળને લઇ સરકારની મુશ્‍કેલી અને ચિંતા વધી છે.

 ગુજરાત ભાડા વિષેયક -૨૦૨૬ના વિરોધમાં વકીલોની હડતાળના કારણે આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજયભરમાં મોટાભાગની કોર્ટોમાં કોર્ટ કામગીરી ઠપ્‍પ રહે તેવી પૂરી શકયતા છે. જિલ્લા-તાલુકા કોર્ટોના વકીલોએ પણ એકસંપ થઈ કોર્ટ કામગીરીનો બહિષ્‍કાર કરી આંદોલનને ટેકો આપ્‍યો છે. તો, આવનીકાલે રાજયના ન્‍યાયસંકુલોના દરવાજાઓ-ગેટ પાસે શેતરંજી પાથરી બેસી વિરોધ, સૂત્રોચ્‍ચાર, તાળાબંધી, બેનરો પ્રદર્શિત કરવા સાથેના આヘર્યકારક કાર્યક્રમો પણ આપવામાં આવ્‍યા  હતાં.

એન્‍ડ સેશન્‍સ કોર્ટ, ઘી કાંટા ફોજદારી કોર્ટ, અમદાવાદ ગ્રામ્‍ય કોર્ટ, સ્‍મોલ કોઝ કોર્ટ, ગુજરાત રેવન્‍યુ ટ્રિબ્‍યુનલ, બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ સહિતની અમદાવાદની તમામ કોર્ટો સહિત રાજયભરના મોટાભાગના જિલ્લા- તાલુકાની કોર્ટોમાં વકીલોએ કોર્ટ કામગીરીથી અળગા રેહવાનું નક્કી કર્યું છે. વકીલઆલમ તરફથી રાજય સરકારકને સાફ ચેતવણી અપાઇ છે કે, જો કોઈપણ ભોગે નવો કાયદો(ગુજરાત  ભાડા વિધેયક-૨૦૨૬) પાછો નહી ખેંચાય અને જૂનો રેન્‍ટ એકટ-૧૯૪૭લાગુ નહી થાય તો હડતાળના આંદોલનને વધુ ઉગ્ર સ્‍વરૂપ આપવામાં આવશે. અમદાવાદ સીટી સિવિલ એન્‍ડ સેશન્‍સ કોર્ટના અમદાવાદ બાર એસોસીએશન અને અમદાવાદ સ્‍મોલ કોઝ કોર્ટસ બાર એસોસીએશન દ્વારા આવતીકાલે બપોરે બોલાવાયેલી બેઠકમાં આંદોલનની આગળની મહત્ત્વની રણનીતિ અને રૂપરેખા તૈયાર થશે. જો કે, વકીલોમાં જબરદસ્‍ત આક્રોશ અને કોઈપણ ભોગે ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ પાછુ ખેંચાવવા છેક સુધી લડી લેવા મક્કમ છે. નીચલી કોર્ટોના વકીલોનો સંપ અને આંદોલન જોઈ હવે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશને પણ સોમવારે મહત્ત્વની બેઠક બોલાવી છે, જેમાં આંદોલનને ટેકો આપવા અંગે નિર્ણય લેવાવાની શકયતા છે.  (પ-૮)

ત્રણ દિવસથી હડતાળના કારણે હજારો કેસોને અસર

વકીલોની જડબેસલાક હડતાળના કારણે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદની તમામ કોર્ટો ઉપરાંત, સુરત, રાજકોટ, ગોધરા, વડોદરા, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, નર્મદા, બનાસકાંઠા, પાલનપુર સહિંતના જિલ્લા-તાલુકાની તમામ કોર્ટોમાં કોર્ટ કામકાજ જબરદસ્‍ત રીતે ઠપ્‍પ રહી છે, જેના કારણે હજારો કેસોમાં મુદત પડવાની સાથે અસર થઈ છે. રાજયભરની કોર્ટ કામગીરી ઠપ્‍પ રહેતાં ઘણા અરજન્‍ટ કેસોને પણ અસર પહોંચી છે. કારણ કે, તપાસનીશ અધિકારી, જાપ્તાના માણસો કે સરકારી વકીલો પણ કોર્ટ સુધી પહોંચી શકયા ન હતા.

(10:56 AM IST)