તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
૩૭ વર્ષથી નાસતા ફરતા ગુનાહિત આરોપીને રાજસ્થાનથી પકડી પાડતી બનાસકાંઠા રેન્જ પાલનપુર પોલીસ
ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવાના ગંભીર ગુનામાં ફરાર આરોપી આખરે પોલીસની ગિરફતમાં

રાજકોટ: બનાસકાંઠા રેન્જના વિસ્તારોમાં લાંબા સમયથી ગુનાઓ આચરીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે બનાસકાંઠા રેન્જ-પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ કચેરીની ટીમે સફળ કામગીરી કરીને છેલ્લા ૩૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષકની સૂચના અન્વયે બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ ઇન્સપેક્ટર એમ.એસ.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જે.પરમાર અને પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં રાજસ્થાન ખાતે કાર્યરત હતી.
રાજસ્થાન તપાસ દરમિયાન મળેલ ચોક્કસ હકીકત, હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ સોર્સના આધારે તપાસ લંબાવવામાં આવી હતી. આગથળા પોલીસ સ્ટેશનના ગુના નંબર ૧૨૭/૧૯૮૯ (ઈ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૯, આર્મ્સ એક્ટ કલમ ૨૫ (સી) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫) મુજબના કામમાં ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવાના ગુનામાં છેલ્લા ૩૭ વર્ષથી નાસતો ફરતો આરોપી બીજદાન ભમરદાન ચારણ (ઉં.વ. ૫૬, રહે. ગડરા રોડ, તા. ગડરા, જી. બાડમેર, રાજસ્થાન) મળી આવ્યો હતો. પોલીસ ટીમે સદર ઇસમને કેશુઆ (તા. રેવદર, જી. શિરોહી, રાજસ્થાન) ખાતેથી પકડી પાડી કાયદેસરની અટકાયત કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૩૫(૧)જે મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને આગળની તપાસ અર્થે આગથળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ પકડાયેલા આરોપી બીજદાન ભમરદાન ચારણ વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૨૭/૧૯૮૯ (ઈ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૯, આર્મ્સ એક્ટ કલમ ૨૫ (સી) તથા જી.પી. એક્ટ ૧૩૫) મુજબનો ગુનો નોંધાયેલ છે. આ સમગ્ર સફળ કામગીરી બનાસકાંઠા રેન્જ પાલનપુર કચેરીના પોલીસ ઇન્સપેક્ટર એમ.એસ.રાણા, પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જે.પરમાર, પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એચ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઇ પીરાભાઈ તથા અ.હેડ કોન્સ્ટેબલ માનસંગભાઇ રત્નાભાઇ દ્વારા કરવામાં આવી હતી.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
