તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
અંબાજી ભાદરવી પૂનમ મહામેળા પૂર્વે દાંતામાં આધુનિક ICU સુવિધાથી સજ્જ 'બનાસ મેડિકલ સેવા કેમ્પ'નો ભવ્ય પ્રારંભ: પદયાત્રીઓને ૨૪ કલાક નિઃશુલ્ક સારવાર મળશે!
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન: માઈભક્તોને અંબાજી મહામેળાને સંપૂર્ણ ‘પ્લાસ્ટિક મુક્ત મેળો’ બનાવવા અને પર્યાવરણની જાળવણી કરવા અપીલ

દાંતા : યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ રહેલા આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ નિમિત્તે દૂર-દૂરથી ચાલીને આવતા લાખો પદયાત્રીઓની સ્વાસ્થ્ય સુરક્ષા અને નિઃશુલ્ક સારવાર અર્થે દાંતા શીત કેન્દ્ર ખાતે વિશાળ 'બનાસ મેડિકલ સેવા કેમ્પ'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આધુનિક તબીબી સાધનો અને ઈમરજન્સી ICU સુવિધાથી સજ્જ આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને દિવસ-રાત ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક તબીબી સેવાઓ મળી રહેશે.
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (બનાસ ડેરી), પાલનપુર તથા બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેવા કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરી તેમજ મેડિકલ કોલેજના હોદ્દેદારો, નિષ્ણાત તબીબો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલાકો સુધી સતત પગપાળા ચાલવાને કારણે ભક્તોમાં થાક, ડીહાઈડ્રેશન, સ્નાયુઓનો દુખાવો કે ઈજા જેવી તકલીફોના ત્વરિત ઈલાજ માટે નિષ્ણાત ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમો ખડેપગે સેવા આપશે. આ ઉપરાંત કોઈપણ આકસ્મિક ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા કેમ્પ ખાતે અદ્યતન ICU વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે.
‘પ્લાસ્ટિક મુક્ત અંબાજી મેળો’ બનાવવા શંકર ચૌધરીનું આહવાન
ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, "અંબાજીનો ભાદરવી મેળો એ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો પવિત્ર ત્રિવેણી સંગમ છે. દરેક યાત્રિક સુખરૂપ દર્શન કરી શકે તે માટે આરોગ્ય સુરક્ષાનું ભગીરથ આયોજન કરાયું છે." આ સાથે જ તેમણે તમામ માઈભક્તો, દર્શનાર્થીઓ અને સ્વયંસેવકોને અંબાજી મહામેળાને સંપૂર્ણપણે ‘પ્લાસ્ટિક મુક્ત મેળો’ બનાવવા હૃદયપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, પદયાત્રા દરમિયાન કચરો માત્ર નિયત કચરાપેટીમાં જ નાખીને પવિત્ર યાત્રાધામ અને સમગ્ર માર્ગને સ્વચ્છ રાખવો એ પણ જગતજનની મા અંબાની સાચી ભક્તિ અને સેવા છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
