News of Saturday, 1st August 2026
મધ્ય ગુજરાતના પશુપાલકો માટે રૂડા સમાચાર: પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ. ૧૦નો કરાયો મસમોટો વધારો!
૧લી ઓગસ્ટથી પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. ૮૭૫થી વધીને થયો રૂ. ૮૮૫; ચોમાસાની ઋતુમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદના અઢી લાખથી વધુ પશુપાલકોને મળશે મોટો આર્થિક ટેકો

ગોધરા : ચોમાસાની ચાલુ મોસમમાં વધતા જતાં મોંઘવારીના ખર્ચ વચ્ચે મધ્ય ગુજરાતના અઢી લાખથી વધુ પશુપાલકો માટે અત્યંત આનંદદાયક અને રાહતના સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી પ્રસિદ્ધ પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. ૧૦નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવો ભાવ રૂ. ૮૮૫ અમલી: ચાલુ વર્ષમાં સતત ત્રીજી વખત ભાવવધારો
ડેરી સંચાલકો દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, અગાઉ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. ૮૭૫ ચૂકવવામાં આવતા હતા. જેમાં રૂ. ૧૦નો સાતત્યપૂર્ણ વધારો કરાતાં હવેથી પશુપાલકોને રૂ. ૮૮૫ પ્રતિ કિલો ફેટ લેખે ચુકવણી કરવામાં આવશે. આ નવો સુધારેલો ભાવ ૧લી ઓગસ્ટ ૨૦૨૬થી જ સમગ્ર ક્ષેત્રમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષ દરમિયાન પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં આ સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે.
ચોમાસામાં ઘાસચારા અને દાણના વધતા ખર્ચ સામે મોટી આર્થિક રાહત
સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓ માટેના લીલા-સુકા ઘાસચારા, ખાણ-દાણ તેમજ પશુપાલનને લગતા અન્ય રોજિંદા ખર્ચાઓમાં બમણો વધારો થઈ જતો હોય છે. પશુપાલકોની આ વ્યવહારુ મુશ્કેલી અને આર્થિક બોજને ધ્યાનમાં રાખીને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા આ પશુપાલક-લક્ષી ભાવવધારાની જાહેરાત કરવામાં આવી છે.
અઢી લાખથી વધુ પશુપાલક પરિવારોમાં ખુશીનો માહોલ
આ ભાવવધારાથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન સાથે સંકળાયેલા અઢી લાખથી વધુ સભાસદો અને પશુપાલક પરિવારોને સીધો આર્થિક ફાયદો થશે. ચોમાસાના પ્રારંભે જ ડેરી તરફથી મળેલી આ ભેટને પગલે ત્રણેય જિલ્લાના પશુપાલક સમુદાયમાં હરખની હેલી વ્યાપી ગઈ છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
