તા. ૨૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
નવરાત્રીમાં ખાણીપીણીના શોખીનો સાવધાન! AMC ની બાજ નજર, નિયમ તોડનાર સામે થશે કડક કાર્યવાહી
અમદાવાદમાં તહેવારો ટાણે ફૂડ સેફટી વિભાગે સપ્ટેમ્બર માસમાં ૨૮ એકમો સીલ કર્યા, ગરબા પ્લોટ અને સ્ટોલ પર રહેશે વિશેષ વોચ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં શહેરના વિવિધ ખાદ્ય ધંધાકીય એકમોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 612 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાયા હતા અને તેમાંથી 22 સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા હતા. આ ઉપરાંત અસ્વચ્છતા અને નિયમોના ભંગ બદલ 28 જેટલા ખાદ્ય ધંધાકીય એકમોને સીલ અથવા ક્લોઝર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આગામી નવરાત્રીના મહાપર્વને ધ્યાનમાં રાખીને ગરબા આયોજનો, પાર્ટી પ્લોટ અને સોસાયટીઓમાં લાગનાર ફૂડ સ્ટોલ્સ પર પણ AMC ની વિશેષ ટીમ દ્વારા સઘન તપાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.
સપ્ટેમ્બર માસ દરમિયાન હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં ફૂડ વિભાગે 9,334 કિલો જેટલો અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો સ્થગિત કર્યો હતો, જેની અંદાજિત કિંમત 21,64,367 રૂપિયા થાય છે. તંત્ર દ્વારા નિયમભંગ કરનાર વેપારીઓ સામે કુલ 404 નોટિસ ઇસ્યુ કરીને 12,79,300 રૂપિયાની માતબર પેનલ્ટી વસૂલવામાં આવી છે તેમજ 1,863 કિલો અને લીટર જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. અપ્રમાણિત જાહેર થયેલા સેમ્પલોમાં ઘી, પનીર, પામોલીન તેલ, સોયા સોસ, ગાર્લિક પેસ્ટ અને રીયુઝ્ડ કૂકિંગ ઓઈલ જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ સામેલ છે.
નવરાત્રીના તહેવારોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે AMC એ ગરબા આયોજકો અને ફૂડ વેન્ડરો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નિયમો અનુસાર દરેક વેન્ડર પાસે માન્ય FSSAI લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે અને તેને સ્ટોલ પર સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવાનું રહેશે. આ ઉપરાંત, પીવા માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો, કાચા અને રાંધેલા ખોરાક અલગ રાખવા, વાસી કે મુદત વીતી ગયેલા પદાર્થો ન વેચવા તેમજ એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં AMC ની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા શહેરમાં અચાનક ચેકિંગ વધારવામાં આવશે અને Food Safety and Standards Act, 2006 હેઠળ કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. તંત્રની આ કડકાઈથી લારી-ગલ્લા અને ફૂડ સ્ટોલ સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે, જ્યારે આરોગ્યપ્રદ અને સલામત ખોરાક મળી રહે તે માટે આ ઝુંબેશ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
