<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

મોડાસા કોલેજ રોડ પર મહિલાની છેડતીનો પ્રયાસ

છેડતીખોર શખ્સને પોલીસને હવાલે કરાયો યુવતીએ બૂમો પાડતા જ સોસાયટીના લોકોએ શખ્સને બરાબરનો ઝૂડ્યો

અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના હાર્દ સમાન ગણાતા કોલેજ રોડ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક સોસાયટી વિસ્તારની નજીક એક મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કરનાર લંપટ શખ્સને સ્થાનિક લોકોએ જાહેરમાં બરાબરનો પાઠ ભણાવ્યો છે. મહિલાની સતર્કતા અને સ્થાનિક લોકોના રોષના કારણે છેડતીખોર શખ્સને ભાગવાનો મોકો મળ્યો ન હતો અને તેને મેથીપાક ચાખવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મોડાસા કોલેજ રોડ પર આવેલી એક સોસાયટીના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી મહિલાની એક અજાણ્યા શખ્સે છેડતી કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી ગભરાઈ જવાને બદલે મહિલાએ બહાદુરી બતાવીને જોરજોરથી બૂમો પાડવાનું શરૃ કરી દીધું હતું. મહિલાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મામલો છેડતીનો હોવાનું માલૂમ પડતાં જ એકત્રિત થયેલા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ તે શખ્સને ઘેરી લીધો હતો અને લાતો-મુક્કાઓથી તેનો બરાબરનો સોથ બોલાવી દીધો હતો.

સ્થાનિક લોકો દ્વારા સરેઆમ રોડ પર આ ઈસમને માર મારવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ આખો નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. લોકોએ કાયદો હાથમાં લીધા વિના પ્રાથમિક મેથીપાક આપ્યા બાદ આ શખ્સને તાત્કાલિક મોડાસા ટાઉન પોલીસને સોંપી દીધો હતો. મોડાસા ટાઉન પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને પકડાયેલા શખ્સ વિરૃદ્ધ કાયદાકીય શિકંજો કસવા માટે આગળની તપાસ શરૃ કરી છે.

(10:06 PM IST)