<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

અમદાવાદ SPIPA ખાતે અટલ વ્‍યાખ્‍યાનમાળા યોજાઈઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશમાં સુશાસન અને ટેક્‍નોલોજી આધારિત પારદર્શિતાને નવી દિશા મળી

જાણીતા લેખક અને વિચારક ઉદય માહુરકરે ‘સુશાસનનાં મૂળભૂત તત્ત્વો' વિષય પર આપ્‍યું સંબોધન : ગુજરાતના જયોતિગ્રામથી લઈને ડિજિટલ ઇન્‍ડિયા અને સંરક્ષણ ક્ષેત્રે આત્‍મનિર્ભરતાના પ્રકલ્‍પોની વિસ્‍તૃત છણાવટ

અમદાવાદઃઅમદાવાદ સ્‍થિત સરદાર પટેલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ પબ્‍લિક એડમિનિસ્‍ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત અટલ વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત ‘Fundamentals of Good Governance & The Narendra Modi Govt.’ વિષય પર વિશેષ વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત ભારત સરકારના ભૂતપૂર્વ ઇન્‍ફોર્મેશન કમિશનર અને પ્રખર વિચારક ઉદય માહુરકરે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશમાં સુશાસન, ટેક્‍નોલોજી આધારિત પારદર્શિતા અને સર્વાંગી વિકાસના એક નવા યુગનો પ્રારંભ થયો છે.

વહીવટી સુધારા અને ટેક્‍નોલોજીનો સમન્‍વયઃઉદય માહુરકરે કેન્‍દ્રમાં નરેન્‍દ્રભાઈ મોદી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા પાયાના સુધારાઓ અંગે માર્ગદર્શન આપતા જણાવ્‍યું કે, પારદર્શિતા, જવાબદારી અને લોકકેન્‍દ્રિત વહીવટ હવે શાસનના મુખ્‍ય સ્‍તંભો બન્‍યા છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે, GeM પોર્ટલ જેવા માધ્‍યમો દ્વારા સરકારી ખરીદીમાં ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે અને વહીવટી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, કાર્યક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારીઓને ચાવીરૂપ જવાબદારીઓ સોંપવાની નીતિને તેમણે વિકાસલક્ષી શાસનની મહત્‍વપૂર્ણ કડી ગણાવી હતી.

ગુજરાત મોડેલથી આત્‍મનિર્ભર ભારતની સફરઃવ્‍યાખ્‍યાન દરમિયાન તેમણે ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૬માં શરૂ કરેલી જયોતિગ્રામ યોજનાને યાદ કરી હતી, જેના કારણે ગામડાઓમાં ૨૪ કલાક થ્રી-ફેઝ વીજળી મળતી થઈ હતી. આ જ વિઝનને કારણે આજે દેશ સોલાર અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રેસર છે. તેમણે નોટબંધી પછી વધેલા ડિજિટલ વ્‍યવહારો અને જનધન યોજના દ્વારા છેવાડાના માનવીને બેંકિંગ વ્‍યવસ્‍થા સાથે જોડવાના ઐતિહાસિક પગલાઓની પણ વિગતે ચર્ચા કરી હતી. સંરક્ષણ ક્ષેત્રે ભારત જે રીતે આત્‍મનિર્ભર બની રહ્યું છે તેને તેમણે દેશની સુરક્ષા માટે અનિવાર્ય ગણાવ્‍યું હતું.

સાંસ્‍કૃતિક વિરાસત અને વૈશ્વિક કૂટનીતિઃઐતિહાસિક ઉદાહરણો આપતા તેમણે જણાવ્‍યું કે, શિવાજી મહારાજની દૂરંદેશી અને વ્‍યૂહાત્‍મક આયોજનની જેમ જ વર્તમાન સરકાર આગોતરા આયોજન પર ભાર મૂકે છે. કાશ્‍મીરમાં આતંકવાદમાં થયેલો ઘટાડો અને અયોધ્‍યામાં રામ મંદિરનું નિર્માણ એ દેશની સુરક્ષા અને સાંસ્‍કૃતિક વિરાસતના પ્રતીક સમાન છે. વૈશ્વિક સ્‍તરે ભારતની મજબૂત કૂટનીતિનો ઉલ્લેખ કરતા તેમણે G-20માં આફ્રિકન દેશોને સ્‍થાન અપાવવાના નિર્ણયને વૈશ્વિક સમાનતાની દિશામાં મોટું પગલું ગણાવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં SPIPA ના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, સંયુક્‍ત સચિવ શ્રીમતી ઋતા ભટ્ટ, સંયુક્‍ત નિયામક એ. એ. ડોડીયા સહિત વરિષ્ઠ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:57 PM IST)