<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

રાજપીપળાની શ્રી એમ આર વિદ્યાલયમાં, 'પ્રગતિનો પ્રવેશોત્સવ' અને 'કન્યા કેળવણી મહોત્સવ'ની શાનદાર ઊજવણી

શાળાના વિદ્યાર્થીઓએ કન્યા કેળવણી અને વૃક્ષારોપણ જેવા સંવેદનશીલ વિષયો પર ખૂબ જ સુંદર અને પ્રેરક વક્તવ્યો રજૂ કર્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : શિક્ષણના વ્યાપની સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુને સાર્થક કરવા માટે શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' અંત્યત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનુ કુમકુમ તિલક અને પુષ્પવર્ષા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. અતિથિઓ સભાખંડમાં પ્રવેશતાં જ ઉપસ્થિત ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓના કરતલધ્વનિથી સમગ્ર હોલ ગૂંજી ઉઠ્યો હતો. મંગલમય વાતાવરણમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય યોગેશકુમારે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે ગર્વભેર શાળાની સિદ્ધિઓ વર્ણવતાં ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના ઉત્કૃષ્ટ પરિણામોની ઝાંખી પ્રસ્તુત કરી હતી. સાથે શાળાની ભૌતિક સુવિધાઓ જેવી કે—સ્માર્ટ ટીવીથી સજ્જ ૧૪ વર્ગખંડો, લેપટોપ, આધુનિક કમ્પ્યુટર લેબ, સમૃદ્ધ લાયબ્રેરી અને લેબોરેટરીથી સૌને વાકેફ કર્યા હતા.
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એડિશનલ કલેક્ટર અને DRDA ડાયરેક્ટર યતિનકુમાર ચૌધરીનું શાળાના આચાર્ય યોગેશકુમાર દ્વારા શાલ, શ્રીફળ, પુષ્પગુચ્છ અને જ્ઞાનના પ્રતીક સમાન પુસ્તક અર્પણ કરી ઉમળકાભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત, લાયઝન ઓફિસર ઉત્પલ પટવારી તથા દાતા કમલેશભાઈ બ્રહ્મભટ્ટનું શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ આપી આદરપૂર્વક સ્વાગત કરાયું હતું.
મહેમાનોના વરદહસ્તે નવપ્રવેશિત ધોરણ ૯ તેમજ ૧૧ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને નોટબુક આપી શાળા પરિવારમાં આવકારવામાં આવ્યા હતા. આ સાથે શાળાના તેજસ્વી તારલાઓ, ૧૦૦% હાજરી ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓ, પ્રતિભાશાળી બાળકો અને પ્રોત્સાહક વાલીઓનું પણ શાલ, પ્રમાણપત્ર અને પુષ્પગૂચ્છથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓએ કન્યા કેળવણી અને વૃક્ષારોપણ જેવા સંવેદનશીલ વિષયો પર ખૂબ જ સુંદર અને પ્રેરક વક્તવ્યો રજૂ કર્યા હતા.
મુખ્ય મહેમાન યતિનકુમાર ચૌધરીએ પોતાના પ્રેરક વક્તવ્યમાં પોતાના શાળાજીવનના મધુર સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' વિશે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે જીવન ઘડતરમાં યોગ, કસરત અને રમત-ગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો, તથા બોર્ડના શાનદાર પરિણામ બદલ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી.
કાર્યક્રમના અંત ભાગમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને મહેમાનોએ સાથે મળીને એક જવાબદાર નાગરિક તરીકે 'માર્ગ સલામતી અંગેની પ્રતિજ્ઞા' લીધી હતી. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી જતીનકુમાર વસાવાએ ખૂબ જ સુપેરે આટોપી હતી.
વિદાય વેળાએ મહેમાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે આ પ્રવેશોત્સવની સ્મૃતિને હરિયાળી રાખશે. આમ, આ મહોત્સવ જ્ઞાન અને સંસ્કારના સમન્વય સાથે સંપન્ન થયો

(10:33 PM IST)