તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
કલોલ ખાતે રૂા. ૪૯ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન સંપન્ન : ગુજરાતનું જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં સર્વશ્રેષ્ઠ હોવાનો હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલનો દાવો
પડતર કેસોના ઝડપી નિકાલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે મિડિએશન પર વિશેષ ભાર મૂકતા ચીફ જસ્ટિસ : મજબૂત રસ્તાઓ વિકાસ લાવે છે, જ્યારે મજબૂત ન્યાયિક સંસ્થાઓ નાગરિકોમાં વિશ્વાસ લાવે છે - કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાનું સંબોધન

ગાંધીનગર: કલોલ ખાતે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલની અધ્યક્ષતામાં અને કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં રૂા. ૪૯ કરોડ કરતાં વધુની રકમના ખર્ચે નવનિર્મિત થનારા અત્યાધુનિક તાલુકા કોર્ટ અને વકીલ મંડળના સંકુલનો ભૂમિપૂજન સમારોહ ભવ્યતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કલોલમાં અરજદારો અને વકીલો માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ભવ્ય ઇમારતોની સાથે ગતિશીલ ન્યાયિક વ્યવસ્થા જ સાચો ન્યાય:
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે કલોલ ખાતે નવનિર્મિત અદ્યતન ન્યાયિક સંકુલના પ્રારંભ પ્રસંગે ગૌરવપૂર્વક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભવ્ય ઇમારતોની સાથે ગતિશીલ અને અસરકારક ન્યાયિક વ્યવસ્થા એ જ સાચો ન્યાય છે. હાઈકોર્ટે લીધેલા મહત્વપૂર્ણ નીતિવિષયક નિર્ણય અંતર્ગત હવે રાજ્યમાં જ્યાં પણ નવા કોર્ટ બિલ્ડિંગ બનશે, ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક ‘એડવોકેટ બિલ્ડિંગ’ અનિવાર્યપણે બનાવવામાં આવશે, જેથી કાયદાના રક્ષકોને બેસવા માટે યોગ્ય અને ગૌરવપૂર્ણ સ્થાન મળી રહે. આ પ્રસંગે તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જાવાન કાયદા મંત્રી હર્ષભાઈ સંઘવીના સક્રિય સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, હાઈકોર્ટ દ્વારા મોકલવામાં આવતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત દરખાસ્તોને સરકારે હંમેશા અગ્રતા આપી ત્વરિત મંજૂરી આપી છે, જેના કારણે આજે સમગ્ર ભારતમાં ગુજરાત જ્યુડિશિયરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શ્રેષ્ઠ છે.
કલોલના ન્યાયિક સંકુલમાં ઉપલબ્ધ થશે જી+૬ ની આધુનિક સુવિધાઓ:
મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે કલોલના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રના ઐતિહાસિક મહત્વને રેખાંકિત કરતાં કહ્યું કે, કલોલ એ દેશના પ્રથમ યુરિયા પ્લાન્ટ અને ઉર્જા ક્ષેત્રે ઓઇલ એક્સ્ટ્રેક્શન માટે જાણીતું સમૃદ્ધ અને મહેનતુ ક્ષેત્ર છે. આવા પ્રગતિશીલ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયિક પ્રક્રિયા એટલી જ સુદ્રઢ હોવી જરૂરી છે. સાથે જ તેમણે ઉમેર્યું કે, કલોલ ખાતે હાઈકોર્ટના મોડલ પ્લાન મુજબ G+6 નું મુખ્ય ન્યાયિક સંકુલ અને વકીલો માટે પાર્કિંગ પ્લસ ૬ માળનું અલગ ભવ્ય બિલ્ડિંગ તૈયાર કરાયું છે. જેમાં મધ્યસ્થી સેન્ટર, ફાઇલિંગ સેન્ટર, પબ્લિક ફેસિલિટી, કોન્ફરન્સ હોલ, લાયબ્રેરી અને ચેમ્બર્સ જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
તેમણે કલોલ બાર એસોસિએશનના આશરે ૪૫૦ જેટલા વકીલોને અપીલ કરતાં જણાવ્યું કે, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA)ના સચિવ સાથે સંકલન સાધી વધુને વધુ વકીલોને હાઈકોર્ટ કક્ષાએ મધ્યસ્થતા માટેની વિશેષ તાલીમ આપવામાં આવે. દરેક તાલુકામાં એક એવું સક્ષમ અને ફૂલ-પ્રોજેક્ટ મેડિએશન સેન્ટર હોવું જોઈએ, જેથી સામાન્ય પક્ષકારોને કોર્ટના લાંબા ચક્કરમાંથી મુક્તિ મળે અને વૈકલ્પિક માધ્યમથી સુખદ સમાધાન થઈ શકે.
ન્યાયતંત્ર પર કરોડો નાગરિકોના વિશ્વાસનો શિલાન્યાસ:
આ પ્રસંગે કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, આજે માત્ર નૂતન ભવનનું ભૂમિપૂજન નહીં પરંતુ લોકશાહીના મજબૂત સ્તંભ એવા ન્યાયતંત્ર પર કરોડો નાગરિકોના વિશ્વાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નાગરિકોને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની કાયમી ભાવના રહી છે કે સામાન્યમાં સામાન્ય નાગરિકને પરવડે તેવો અને સુલભ ન્યાય સમયસર મળી રહેવો જોઈએ. જેમ મજબૂત રસ્તાઓ વિકાસ લાવે છે, તેમ મજબૂત ન્યાયિક સંસ્થાઓ સમાજમાં વિશ્વાસનું વાતાવરણ પૂરું પાડે છે. સમગ્ર ગુજરાતમાં સામાન્ય નાગરિકો માટે ન્યાયની સુલભતા વધારવા માટે તેમણે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલના અથાહ પ્રયાસો અને મધ્યસ્થીના અભિગમને બિરદાવ્યા હતા.
જુના સંસ્મરણો વાગોળતા ન્યાયમૂર્તિઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ:
ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ અને ગાંધીનગર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ નીરલ આર. મહેતાએ આ પ્રસંગે વકિલાતની શરુઆત સમયના અને કલોલ કોર્ટ તથા તાલુકા સાથેના સંસ્મરણો ભાવુકતા સાથે વાગોળતા જણાવ્યું હતું કે, જ્યાંથી શરૂઆત કરી તે જ કોર્ટ સ્થળના ભૂમિ પૂજનમાં ઉપસ્થિત રહેવું એ અદભુત અને યાદગાર ક્ષણ છે. ગાંધીનગર જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આશિષ મલ્હોત્રાએ આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આ ઇમારત એક એવું 'ન્યાય મંદિર' બનશે, જ્યાં કાયદાનું શાસન જળવાઈ રહેશે અને બંધારણીય મૂલ્યોનું રક્ષણ થશે.
આ ગરિમામય પ્રોગ્રામમાં ગુજરાત હાઇકોર્ટ ન્યાયમૂર્તિ આઈ. જે. વોરા, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ, કલોલ બાર એસોસિએશનના પ્રમુખ કૃણાલ કોઠારી, રજિસ્ટ્રાર સંજય સુથાર, કાનૂની વિભાગના સચિવ ઉપેન્દ્ર ભટ્ટ, કલોલ બાર એસોસિએશનના પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
