તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી
વોટ્સએપ મેસેજથી થઈ જાળ બિછાવવાની શરૃઆતઃયુવકનો વિશ્વાસ જીત્યા બાદ તેને એક ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, જેમાં હવે ભણેલા-ગણેલા લોકો પણ લાલચમાં આવીને શિકાર બની રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા ૩૮ વર્ષીય યુવક સાથે ૩૦ લાખ રૃપિયાથી વધુની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, આ છેતરપિંડીની શરૃઆત એક અજાણ્યા વોટ્સએપ મેસેજથી થઈ હતી. ઠગોએ યુવકને ગુગલ મેપ પર હોટલ અને રેસ્ટોરન્ટના રિવ્યૂ આપવાની સરળ પાર્ટ-ટાઈમ જોબની ઓફર આપી હતી. જેમાં એક રિવ્યૂ દીઠ ૫૦થી ૧૦૦ રૃપિયા કમાવવાની લાલચ આપવામાં આવી હતી. શરૃઆતમાં યુવકે આપેલા ટાસ્ક સામે નાની રકમ ચૂકવીને ગઠિયાઓએ તેનો વિશ્વાસ જીતી લીધો હતો.યુવકનો વિશ્વાસ જીત્યા બાદ તેને એક ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો. અહીં તેને રોજના ૨૧ ટાસ્ક આપવાનું કહીને 'ઇન્વેસ્ટમેન્ટ'ના નામે રકમ પડાવવાનું શરૃ કરાયું. સૌપ્રથમ ૨,૦૦૦ સામે ૨,૬૩૦ રૃપિયા પરત આપી મોટા રોકાણ માટે પ્રોત્સાહિત કર્યો. આ દરમિયાન ૧૩મી માર્ચથી પહેલી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ બહાને કુલ ૩૦,૪૯,૦૦૦ રૃપિયા ટ્રાન્સફર કરાવાયા. અંતમાં નફો ઉપાડવા માટે 'VIP કસ્ટમર' બનવાની શરતે વધુ ૧૬ લાખ રૃપિયાની માંગણી કરવામાં આવી હતી.
જ્યારે યુવકે પોતાની જમા રકમ અને નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ વધુ ફીની માંગણી ચાલુ રાખી હતી. સતત નાણાંની માંગણી થતા યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આખરે ભોગ બનનાર યુવકે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
