<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ગાંધીનગરના આંગણે એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો થનગનાટ : 31 દેશોના ખેલાડીઓ શક્તિ પ્રદર્શન કરશે

મહાત્મા મંદિર ખાતે 11 થી 17 મે દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન : ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓ લેશે ભાગ

ગાંધીનગર : ગુજરાતની ધરતી ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રમતગમત મહોત્સવની સાક્ષી બનવા જઈ રહી છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી 11 થી 17 મે, 2026 દરમિયાન 'એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા વૈશ્વિક સ્તરે ભારત અને ખાસ કરીને ગુજરાતની રમતગમત ક્ષેત્રે વધતી પ્રતિષ્ઠાની પ્રતીક સમાન છે.

31 દેશોના દિગ્ગજ રમતવીરોનું આગમન

આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં એશિયાના 31 દેશોના અંદાજે 200 જેટલા ટોચના રમતવીરો ભાગ લેશે. આ ઉપરાંત 200 કોચ અને મેનેજરો, 50 આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ તથા વિશ્વ અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે આ સ્પર્ધામાં 6 ઓલિમ્પિક મેડલ વિજેતા અને 35 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા ખેલાડીઓ પણ પોતાનું કૌશલ્ય બતાવશે.

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાયર ઇવેન્ટ

ગાંધીનગરમાં યોજાનારી આ ઇવેન્ટ રમતવીરો માટે ખૂબ જ મહત્વની છે કારણ કે તે કોમનવેલ્થ ગેમ્સ-ગ્લાસગો માટેની ક્વોલિફાયર ઇવેન્ટ પણ છે. ભારતને અત્યાર સુધીમાં ચોથી વખત આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું યજમાન પદ મળ્યું છે, જે ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનની સફળતા દર્શાવે છે. અગાઉ પુણે, ગ્રેટર નોઈડા અને અમદાવાદમાં સફળ આયોજન બાદ હવે ગાંધીનગર તૈયાર છે.

ભવ્ય ઉદ્ઘાટન અને મહાનુભાવોની ઉપસ્થિતિ

આ ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ 12 મે, 2026ના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત વિશેષ ઉપસ્થિત રહેશે. ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમ્મદ હસન જલુદ અને એશિયન ફેડરેશનના પ્રમુખ મોહમ્મદ બિન યુસુફ અલ માના પણ આ કાર્યક્રમની શોભા વધારશે. સમગ્ર આયોજન ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ ડૉ. સહદેવ યાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. તે જ દિવસે અમદાવાદ ખાતે એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનની વાર્ષિક કોંગ્રેસની બેઠક પણ યોજાશે.

(10:20 PM IST)