તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
મહુધા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ચાવડા અને વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિત રૂ. ૨.૫૦ લાખની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ફસાયા
અમદાવાદ ગ્રામ્ય ACB ના PI ડી.બી.ગોસ્વામીની સફળ ટ્રેપ : વેપારીને છેતરપિંડીના કેસમાં ન ફસાવવા અને ગુનો ન નોંધવા બદલ રૂ. ૫ લાખ માંગી રકઝકના અંતે રૂ. ૨.૫૦ લાખ સ્વીકારતા વકીલ ઝડપાયા : એ.એસ.આઈ. ગેરહાજર મળ્યા

મહુધા: મહુધા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. અને નડીયાદના એક વકીલે વેપારી પાસેથી ગુનો ન દાખલ કરવા અને મામલે સમાધાન કરાવવાના બહાને રૂ. ૨,૫૦,૦૦૦/- ની લાંચ માંગતા એન્ટિ કરપ્શન બ્યુરો (એ.સી.બી.) ૧૦૬૪ ની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં વકીલ રંગેહાથ ઝડપાઈ ગયા છે, જ્યારે એ.એસ.આઈ. સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા.
આ કેસની વિસ્તૃત વિગતો અનુસાર, આ કામના ફરિયાદી જાગૃત નાગરિક અને તેમનો પુત્ર જુદી-જુદી કંપનીના ડિટરજન્ટ પાવડર તથા તેને લગતી વસ્તુઓનો વેપાર કરે છે. ગત તા. ૦૧/૧૦/૨૦૨૬ ના રોજ આરોપી વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિત (ઉ.વ. ૩૦, રહે. મકાન નં-૭, જલસાગર સોસાયટી, મંજીપુરા રોડ, નડીયાદ, જી. ખેડા, મૂળ વતન- ગામ મહિસા, તા. મહુધા) નાઓએ ફરિયાદીના પુત્ર અને તેના પાર્ટનરને "તમે મહુધાના વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે" તેમ કહી માલ ભરેલા ટેમ્પા સાથે મહુધા પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દીધા હતા.
આથી ફરિયાદી તા. ૦૨/૧૦/૨૦૨૬ ના રોજ મહુધા પોલીસ સ્ટેશન ખાતે મળવા ગયા હતા. તે વેળાએ આરોપી એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જીલુભા ચાવડા (મહુધા પોલીસ સ્ટેશન) નાઓએ આરોપી વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિતની હાજરીમાં જો સમાધાન કરવું હોય અને કેસ કે ગુનો દાખલ ન કરવો હોય તો પ્રથમ રૂ. ૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂ. ૨,૫૦,૦૦૦/- ની રકમ નક્કી કરવામાં આવી હતી.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોઈ, તેમણે એ.સી.બી. ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તા. ૦૩/૧૦/૨૦૨૬ ના રોજ અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર ડી.બી.ગોસ્વામી દ્વારા મહુધા ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપની સામે, શ્યામ આર્કેડમાં ઓફિસ નંબર ૨૪ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ લાંચના છટકા દરમિયાન આરોપી વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિત નાઓએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી રૂ. ૨,૫૦,૦૦૦/- ની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા અને સ્વીકારેલી સંપૂર્ણ રકમ રિકવર કરી હતી. ટ્રેપ દરમિયાન બીજા આરોપી એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જીલુભા ચાવડા સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા. બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હોવાથી એ.સી.બી.એ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
