<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યું જો જાતિગત વસ્તી ગણતરીમાં ખામીઓ રહી તો ઓબીસી વર્ગ દશકો પાછળ ધકેલાઈ જશે

અમદાવાદમાં કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે જાતિગત વસ્તી ગણતરીના વર્તમાન માળખા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા અને ઉત્તરાખંડની ઘટના પર નિષ્પક્ષ કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.

અમદાવાદ: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કેન્દ્ર સરકારની દાનત પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, જો જાતિગત જનગણનાના વર્તમાન માળખામાં ખામીઓ રાખવામાં આવશે તો ઓબીસી (OBC) વર્ગ વિકાસની રેસમાં દાયકાઓ પાછળ ધકેલાઈ જશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલય ખાતે આયોજિત એક અગત્યની પત્રકાર પરિષદમાં તેમણે આ તીખી પ્રતિક્રિયા આપી હતી. ગેહલોતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ પક્ષ વર્ષ ૨૦૨૧ થી દેશમાં સાચી અને સચોટ રીતે જાતિગત જનગણના કરાવવાની સતત માંગ કરી રહ્યો છે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ વર્ષ ૨૦૨૩ થી આ મુદ્દો સતત ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ગત ૨૦ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આ અંગે એક સંયુક્ત પત્ર પણ લખ્યો હતો. અશોક ગેહલોતે વર્તમાન જનગણના પ્રશ્નાવલીની ખામીઓ ઉજાગર કરતા કહ્યું કે દેશમાં આશરે ૪,૨૦૦ જાતિઓ છે અને સરકાર પાસે તેની પ્રમાણિત યાદીઓ હોવા છતાં ગણતરી વખતે જાતિનું નામ નોંધવા માટે તૈયાર યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી નથી.

ગેહલોતે વાંધો ઉઠાવતા જણાવ્યું કે પ્રશ્નાવલીમાં ખુલ્લા વિકલ્પ વાળો પ્રશ્ન રખાયો છે, જેનાથી એક જ જાતિના અલગ-અલગ નામ અને સ્થાનિક બોલીઓના તફાવતને કારણે ગણતરીમાં ભારે ગડબડ ઊભી થશે. તેનાથી ઓબીસી અને ઈબીસી વર્ગના શિક્ષણ, શિષ્યવૃત્તિ, સરકારી રોજગાર અને કલ્યાણકારી યોજનાઓ પર સીધી નકારાત્મક અસર પડશે. તેમણે માંગ કરી હતી કે નવી પ્રશ્નાવલી તૈયાર કરતા પહેલા તમામ રાજકીય પક્ષો અને તજજ્ઞો સાથે ચર્ચા કરવામાં આવે.

આ પત્રકાર પરિષદ દરમિયાન અશોક ગેહલોતે ઉત્તરાખંડના હલ્દ્વાની ખાતે મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ કથિત રીતે કરાયેલા શુદ્ધિકરણની ઘટનાની પણ સખત શબ્દોમાં નિંદા કરી હતી અને તેને જાતિવાદી માનસિકતાનું પ્રદર્શન ગણાવ્યું હતું. તેમણે આ મામલે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને ગુજરાત વિધાસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(11:16 AM IST)