News of Wednesday, 15th July 2026
અષાઢી બીજથી રાજયમાં વરસાદી માહોલ જામશે :આગામી સપ્તાહે મેઘરાજા ફરી બહબહાટી બોલાવશે : અંબાલાલ પટેલની આગાહી
30 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી ઝાપટાં કે સારો વરસાદ થવાની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે મહત્વની સાબિત થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રથયાત્રાના દિવસે અમદાવાદ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાંટા અથવા હળવો વરસાદ પડવાની શક્યતા છે, સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળી થવાના પણ એંધાણ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 19 અને 20 જુલાઈ સુધીમાં પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર-પૂર્વીય ભારતના રાજ્યોમાં વરસાદનો વ્યાપ વધવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ, 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ, 24 થી 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે. જ્યારે 30 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી ઝાપટાં કે સારો વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ ખેતી માટે જીવનદાન સમાન સાબિત થઈ શકે છે, કારણ કે પાકને અત્યારે પાણીની જરૂરિયાત છે.
હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ, ચોમાસું હાલ રાજ્યમાં સક્રિય છે અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની ધારણા છે. ખેડૂતોને હવામાનના આ ફેરફારોને ધ્યાનમાં રાખીને ખેતીવાડીના કાર્યોનું આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, વરસાદી માહોલ વચ્ચે લોકોએ વીજળીના કડાકા અને ભારે પવનથી સાવધ રહેવું પણ જરૂરી છે. રથયાત્રાના પાવન અવસરે હવામાન કેવું રહેશે તે અંગેની આ આગાહીએ ભારે ઉત્સુકતા જગાવી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
