<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

‘તૃષ્ટીકરણ નહીં પણ સંતુષ્ટીકરણ' ના કાર્યમંત્રના ફળસ્વરૂપે ભાજપાને ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું છે : જગદીશભાઈ વિશ્વકર્મા

સામાન્ય કાર્યકર્તાને મોટી જવાબદારી આપવી અને સામાન્ય પરિવારમાં જન્મેલો વ્યક્તિ દેશનો પ્રધાનમંત્રી બની શકે તેવી વ્યવસ્થા માત્ર ભાજપમાં જ શક્ય:ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વાપી ખાતે વલસાડ જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ અને ચુંટાયેલા જનપ્રતિનિધિઓની બેઠક યોજાઇ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વાપી ખાતે વલસાડ જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ અને ચુંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ચારેય દિશામાં કેસરિયો લહેરાયો છે અને ગામડાથી લઈ મહાનગર સુધી ભાજપનું કમળ ખીલ્યું છે, જેનો સંપૂર્ણ શ્રેય ભાજપાના કાર્યકર્તાઓ તથા બૂથ પ્રમુખોના પરિશ્રમ અને તપસ્યાને ફાળે જાય છે. ભાજપનો કાર્યકર્તા તડકો-છાંયો જોયા વગર પોતાનું કાર્ય કરે છે અને ચૂંટણી જીત્યા પછી પણ ઉન્માદમાં આવ્યા વગર સતત પ્રજા વચ્ચે રહીને સેવા કરે છે. ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી જનતા 'તૃષ્ટીકરણ નહીં પણ સંતુષ્ટીકરણ' ના કાર્યમંત્ર સાથે કાર્યરત ભાજપને અવિરત જનસમર્થન આપી રહી છે તે માટે આપણે સૌ જનતાના આભારી છીએ.
 જગદીશભાઈ વિશ્વકર્માએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને ટાંકતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત 365 દિવસ અને 24/7 રાષ્ટ્રહિત અને  પ્રજાકીય કાર્યો માટે સમર્પિત રહી કાર્ય કરી રહ્યાં છે. પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીથી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ કરીને 4399 દિવસની અભૂતપૂર્વ યાત્રા ની સાક્ષી દેશની જનતા રહી છે આજે પણ તેઓ સંપૂર્ણ સમર્પણ અને શક્તિ સાથે દેશસેવામાં કાર્યરત છે. દેશની છેલ્લા ૧૨ વર્ષની વિકાસગાથા અને ભાજપા પ્રત્યે વધતા જનવિશ્વાસનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વને જાય છે.
તેમણે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓએ હંમેશા પરિવારની ચિંતા કરતાં વધારે રાષ્ટ્રની ચિંતા કરી છે. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ભાજપને મજબૂત બનાવવા માટે અસંખ્ય કાર્યકર્તાઓએ વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે, અનેક કાર્યકર્તાઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે અને આજે ત્યાં ભાજપ સશક્ત રાજકીય શક્તિ તરીકે ઉભરી છે. આજે દેશના 22 રાજ્યોમાં એનડીએની સરકાર કાર્યરત છે અને આપણે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ હોવાનો ગર્વ અનુભવીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સત્તા માટે નહીં પરંતુ સેવા માટે સતત પ્રજા વચ્ચે રહી કાર્ય કરવાની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. આ જ ભાવનાથી પ્રેરાઈ ભાજપના કાર્યકર્તાઓ કાર્ય કરે છે. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓનું સન્માન અને તેમની લાગણીઓનો આદર કરવો એ સંગઠનની શક્તિ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાઓમાં 15માંથી 15 એટલે કે 100 ટકા સ્ટ્રાઈક રેટ સાથે ભાજપે વિજય મેળવ્યો છે. નગરપાલિકાઓમાં 84માંથી 76, જિલ્લા પંચાયતોમાં 34માંથી 33 અને તાલુકા પંચાયતોમાં 260માંથી 229 બેઠકો જીતતા રાજ્યભરમાં ભાજપનો સફળતા દર 95 ટકાથી વધુ રહ્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ જીત કાર્યકર્તાઓના પરિશ્રમની જીત છે, આ જીત તેમની તપસ્યાની જીત છે અને આ જીત બૂથ સ્તરે કાર્યરત તે કાર્યકર્તાઓની છે.
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતાં વિશ્વકર્માએ જણાવ્યું હતું કે મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. કમળનો ખેસ જ આપણી ઓળખ છે. આ કમળના ચિહ્ન અને સંગઠનના બળથી જ આપણે સમાજમાં ઓળખ અને સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક સામાન્ય કાર્યકર્તાને મોટી જવાબદારી આપવી અને સામાન્ય પરિવારમાં જન્મેલો વ્યક્તિ દેશનો પ્રધાનમંત્રી બની શકે તેવી વ્યવસ્થા માત્ર ભાજપમાં જ શક્ય છે. પ્રધાનમંત્રી બન્યા પછી પણ નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવીની ચિંતા અવિરત કરતા રહ્યા છે. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારની વિવધ સર્વસ્પર્શી જનકલ્યાણની યોજનાઓ અંગે વાત કરી હતી. 
કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા વિવિધ કાર્યક્રમોની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે ‘એક પેડ માં કે નામ’, સ્વચ્છતા અભિયાન, જનકલ્યાણ શિબિરો, પ્રબુદ્ધ નાગરિકો સાથે સંપર્ક, જરૂરિયાતમંદ પરિવારોને સરકારી યોજનાઓનો લાભ અપાવવાના કાર્યક્રમો દ્વારા ભાજપ કાર્યકર્તાઓ જનસેવાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓને નિયમિત જનસંપર્ક રાખવા, પ્રજાની સમસ્યાઓ સાંભળવા અને તેનો સમયસર નિકાલ કરવા આહ્વાન કરી હતી.
અંતમાં વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પક્ષના હોદ્દા સમયબદ્ધ હોય છે, પરંતુ ‘કાર્યકર્તા’ નામનો હોદ્દો ક્યારેય પૂર્ણ થતો નથી. ભાજપની સાચી તાકાત કાર્યકર્તા છે અને કાર્યકર્તાના પરિશ્રમ, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમના બળ પર જ ભાજપ સતત જનવિશ્વાસ પ્રાપ્ત કરીને વિકાસ અને સેવા માટે કાર્યરત છે. 
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી ડૉ. પ્રશાંતભાઈ કોરાટે પ્રાસંગિક ઉદબોધન કરી ભાજપાના ‘૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના‘ અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમો અંગે સંવાદ કરી વિવિધ સંગઠનાત્મક છણાવટ આપ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ કનુભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, દક્ષિણ ઝોનના પ્રભારી તેમજ પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઇ પટેલ, પ્રદેશના મંત્રી સોનલબેન, સાંસદ ધવલભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ હેમંતભાઇ કંસારા, જિલ્લાના પ્રભારી વિનયભાઇ શુક્લા, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન, મેયરશ્રી દક્ષાબેન પટેલ, ધારાસભ્યઓ સંગઠનના હોદ્દેદારઓ તેમજ ચૂંટાયેલા સભ્યઓ, આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

(6:40 PM IST)